વડોદરા માહિતી ખાતામાં ૩૩ વર્ષની સેવા બાદ વયનિવૃત્ત થનાર મધ્ય ગુજરાત ઝોનના સંયુક્ત માહિતી નિયામકશ્રી રાજેન્દ્ર રાઠોડનો આજે વિદાય સહ અભિવાદન સમારોહ યોજાયો હતો. આ ઉપરાંત તેમની સાથે જ નિવૃત્ત થનાર વડોદરાના સહાયક માહિતી નિયામક (વહીવટ) ભાનુબેન રાણા અને આણંદના સહાયક માહિતી નિયામક (વહીવટ) સંજય શાહનો પણ અહીં વિદાય સમારોહ યોજાયો હતો.
સમારોહમાં વિશેષ ઉપસ્થિત રહી જિલ્લા કલેક્ટર અતુલ ગોરે નિવૃત્ત જીવન સુખમય અને આરોગ્યમય નીવડે તેવી શુભકામનાઓ આપતા જણાવ્યું કે, બદલી, બઢતી અને નિવૃત્તિ એ સરકારી સેવાનો અભિન્ન ભાગ છે. પરંતુ તમે સરકારી સેવાના કાર્યકાળ દરમિયાન કેવી રીતે ફરજ બજાવો છો, તે મહત્વનું છે. શ્રી રાઠોડને મિતભાષી કહી કલેક્ટરશ્રીએ ચૂંટણી દરમિયાન તેમની ઉમદા કામગીરી અને ફરજનિષ્ઠાની ભરપૂર પ્રશંસા કરી હતી.
માહિતી ખાતામાં ખૂબ સરસ રીતે કાર્યશીલ અને પ્રવૃત્તિમય કામગીરીની નોંધ લઈ શ્રી ગોરે વધુમાં કહ્યું હતું કે, સરકારી સેવામાં વય નિવૃત્તિ એ ‘ધ એન્ડ’ નથી, પરંતુ જીવનનો એક તબક્કો છે. ‘સરકારી નોકરી એ નોકરી નહીં, પરંતુ લોકસેવા છે’ તેનું શ્રેષ્ઠ ઉદાહરણ શ્રી રાઠોડ છે, તેવું જણાવી કલેક્ટર એ નિવૃત્ત થનાર તમામ અધિકારીશ્રીઓની મદદ માટે વહીવટી તંત્ર તત્પર રહેશે, તેવી મક્કમતા દાખવી હતી.
ઉપસ્થિતિ સૌને શુભકામનાઓ બદલ આભાર અને ધન્યવાદ કહી શ્રી રાઠોડે માહિતી મદદનીશ તરીકે માહિતી ખાતામાં પોતાની કારકિર્દીની શરૂઆતથી લઈને સંયુક્ત માહિતી નિયામક સુધીના પોતાના કાર્યકાળ દરમિયાનના સંસ્મરણો વાગોળ્યા હતા. માહિતી ખાતામાં સુરતથી શરૂ થયેલી તેમની યાત્રા વાયા રાજકોટ, મુંબઈ, ગોધરા, દાહોદ, સોનગઢ, હાલોલ, જાંબુઘોડા થઈને વડોદરા ખાતે પૂર્ણ થઈ હોવાનું તેમણે જણાવ્યું હતું. નાયબ માહિતી નિયામક તરીકે ગોધરામાં લાંબો કાર્યકાળ રહ્યો હોવાનું પણ તેમણે આ પ્રસંગે કહ્યું હતું.
અલગ અલગ જગ્યાઓ પર ફરજ દરમિયાન તેઓ સમાચાર સંપાદનની સાથે સાથે જાહેરાત, વીડિયોગ્રાફી અને વહીવટનું કૌશલ્ય શીખ્યા હોવાનું કહી, તેમણે ‘જેક ઓફ ઓલ, માસ્ટર ઓફ નન’ એ માહિતી ખાતાની કાર્યશૈલી અને કાર્યસંસ્કૃતિ હોવાનું ઉમેર્યું હતું. શ્રી રાઠોડે આ પ્રસંગે તેમના માતા અને ધર્મપત્નીનો આભાર વ્યક્ત કરી પોતાના કાર્યકાળ દરમિયાન તમામના સહકાર-સહયોગ બદલ ધન્યભાવ વ્યક્ત કર્યો હતો.
શ્રી ગોરે સ્મૃતિચિહ્ન આપીને અને શાલ ઓઢાડીને શ્રી રાઠોડનું સન્માન કર્યું હતું. વડોદરાના નાયબ માહિતી નિયામકશ્રી બી. પી. દેસાઈએ સ્વાગત પ્રવચન કર્યું હતું. તો, સિનિયર સબ એડીટર દર્શન ત્રિવેદીએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. કાર્યક્રમના અંતે પ્રાદેશિક માહિતી કચેરી સહિત સહિત બંને ઝોનની જિલ્લા માહિતી કચેરીઓએ શ્રી રાઠોડનું અભિવાદન કર્યું હતું.
આ પ્રસંગે દક્ષિણ અને મધ્ય ગુજરાત ઝોનના સર્વ જિલ્લા માહિતી વડાએ પ્રાસંગિક ઉદબોધન આપી નિવૃત્ત થનાર રાજેન્દ્ર રાઠોડ, ભાનુબેન રાણા, સંજય શાહને નિવૃત્ત જીવનની શુભકામનાઓ પાઠવી હતી.
આ વિદાય સમારોહમાં પૂર્વ સંયુક્ત માહિતી નિયામક દિનેશકુમાર ડીંડોર, મધ્ય અને દક્ષિણ ગુજરાત ઝોનની તમામ માહિતી કચેરીના અધિકારીઓ, કર્મયોગીઓ, શ્રી રાઠોડના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.