ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં અવસર અભિયાનની ઉત્કૃષ્ઠ કામગીરી કરવા બદલ વડોદરાના નિવાસી અધિક કલેકટર ડો. બી. એસ. પ્રજાપતિનું રાષ્ટ્રીય મતદાતા દિવસે ગાંધીનગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સન્માન કરવામાં આવ્યું હતું. મુખ્ય ચૂંટણી અધિકારી પી. ભારતીની ઉપસ્થિતિમાં રાજ્ય ચૂંટણી પંચના કમિશનર સંજય પ્રસાદે પ્રશસ્તિ પત્ર આપી તેમનું સન્માન કર્યું હતું.
વિધાનસભાની ચૂંટણીમાં મતદારોને જાગૃત કરવા માટે ઓલ વોટર સ્પીરીટેડ અવેર એન્ડ રિપોન્સીબલ (અવસર) અભિયાન ચલાવવામાં આવ્યું હતું. જેના નોડલ ઓફિસર તરીકે ડો. બી. એસ. પ્રજાપતિએ ઉત્કૃષ્ઠ કામગીરી કરી હતી.
અવસર અભિયાન અંતર્ગત ગત ચૂંટણીમાં સૌથી ઓછું મતદાન થયું હોય એવા મતદાન મથકોના વિસ્તારોને ફોકસ કરવામાં આવ્યા હતા. વડોદરા શહેર અને જિલ્લામાં મતદારોને જાગૃત કરવા ૩૫ થી વધુ રચનાત્મક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. જેના પરિણામ સ્વરૂપ ઓછું મતદાન ધરાવતા મથકોમાં આ વખતે મતદાન ટકાવારીમાં નોંધપાત્ર વધારો થયો હતો.
ઉક્ત શ્રેષ્ઠ કામગીરીને ધ્યાને રાખીને રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરી દ્વારા ડો. પ્રજાપતિને અવસર અભિયાનના નોડલ તરીકે એવોર્ડ આપવા પસંદગી કરવામાં આવતા આજે તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. કલેકટર અતુલ ગોર તથા જિલ્લા વિકાસ અધિકારી ડો. રાજેન્દ્ર પટેલ સહિતના વરિષ્ઠ અધિકારીઓએ ડો. પ્રજાપતિને અભિનંદન પાઠવ્યા છે.