વડોદરા શહેરમાં હાલ પડી રહેલ કડકડતી ઠંડીથી હુંફ મેળવવા માટે કોલસાની સગડી ચાલુ રાખી ઉપરના માળે જમીન પર પથારી કરી સુઈ ગયેલ સોલંકી દંપતી માટે કડકડતી ઠંડીથી હુંફ મેળવવા માટે કરેલું તાપણું જ મોતનું કારણ બન્યું હતું.
સમગ્ર રાજ્યભરમાં ઠંડીનું તાપમાન ઘટી રહ્યું છે ત્યારે વડોદરા શહેરની વાત કરીએ તો છેલ્લા ઘણા દિવસોથી ઠંડીનો પારો 12 ડિગ્રીથી પણ ઓછું નોંધાઈ રહ્યું છે. કડકડતી ઠંડીથી બચવા માટે લોકો તાપણીનો ઉપયોગ કરતા હોય છે, ત્યારે વડોદરાના દશરથમાં ઠંડીથી બચવા માટે તાપણું કરીને રૂમમાં મૂકવામાં આવ્યું હતું પરંતુ કાર્બન મોનોક્સાઈડના ધુમાડાના કારણે દંપતીનું મૃત્યુ નીપજ્યું હતું. દશરથ ગામથી આજોડ જવાના રસ્તા ઉપર આવેલી કૃષ્ણ વિલાસ સોસાયટીના 88 નંબરનું મકાન તાજેતરમાં જ વિનોદભાઈ સોલંકી અને ઉષાબેન સોલંકી ખરીદ્યું હતું. તેમના પુત્ર દ્વારા સવારે માતા-પિતાને ફોન કરવામાં આવ્યો હતો બંનેઓ દ્વારા ફોન ન ઉપાડવાના કારણે તેઓ ચિંતામાં આવી તેઓ ઘરે ગયો હતો અને ઘરનો દરવાજો અંદરથી બંધ જણાતા દરવાજો તોડી અંદર જોતા માતા પિતા મૃત હાલતમાં પડ્યા હતા. ઘટનાની જાણ થતા છાણી પોલીસ સ્થળ પર આવી પહોંચી હતી. પોલીસ માટે પણ અચંબિત કરતી ઘટનામાં એફ એસ એલ ની મદદ લેવામાં આવી હતી.