પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના દૂરંદેશીભર્યા માર્ગદર્શન હેઠળ ભારત સરકારે, તેની હેઠળના વિવિધ વિભાગો અને સંસ્થાઓમાં લાયક ઉમેદવારોની ભરતીની ઝુંબેશ શરૂ કરી છે. જે અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી રોજગાર મેળાના ત્રીજા તબક્કાનું ઉદ્ઘાટન કર્યું હતું. જેમાં કેન્દ્રીય રેલવે અને ટેક્સટાઈલ રાજ્યમંત્રી દર્શના જરદોશ વડોદરાથી સીધા જોડાયા હતા.
આગામી સમયમાં દેશના ૧૦ લાખ યુવાઓને સરકારી સેવામાં જોડવાના ભારત સરકારના સંકલ્પ અને ઝૂંબેશ હેઠળ સફળ થઈને નિમણૂંકને પાત્ર બનેલા વડોદરાના ૧૨૬ સહિત દેશના ૭૧ હજારથી વધારે સફળ ઉમેદવારોને આજરોજ નિમણૂંક પત્રો એનાયત કરીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. વડોદરાના સફળ ઉમેદવારોના અભિવાદન અને તેમને નિયુક્તિ પત્રોના વિતરણના કાર્યક્રમનું આજે ગોત્રી-સેવાસી સ્થિત એફ.જી.આઈ. ઓડિટરિયમ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.
નવનિયુક્ત કર્મયોગીઓને અભિનંદન અને શુભકામના પાઠવતા કેન્દ્રીય રાજ્યમંત્રી દર્શના ઝરદોશે જણાવ્યું કે, સરકારી સેવામાં જોડાનાર યુવાઓ વિકસિત ભારતની યાત્રાના ભાગીદાર છે. આ યુવાઓના માથે આત્મનિર્ભર, સશક્ત અને સમર્થ ભારતની જવાબદારી છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી ભારત સરકાર મિશન મોડમાં રોજગાર પ્રદાન કરી રહી છે, તેવું તેમણે ઉમેર્યું હતું.
જરદોશે વધુમાં જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી યુવાઓની ચિંતા કરી રહ્યા છે, યુવાઓના રોજગારના વિકલ્પની ચિંતા કરી રહ્યા છે, ત્યારે આઝાદીના આ અમૃત મહોત્સવમાં નવનિયુક્ત યુવા કર્મયોગીઓ ભરપૂર ઉર્જા સાથે દેશને ઉપયોગી બનશે અને ભવ્ય ભારતનું નિર્માણ કરશે. યુવા કર્મયોગીઓ અલગ-અલગ મંત્રાલયો અને સરકારી વિભાગોમાં જોડાઈને પ્રજાની સેવાના લક્ષ્ય સાથે નિરંતર આગળ વધશે, ત્યારે ભારતની વિકાસયાત્રા બમણી ગતિથી વેગવંતી બનશે. તેમણે આ નિમણૂંક પત્રોથી માત્ર કર્મયોગીઓ જ નહીં, પરંતુ તેઓના સ્વજનોના જીવનમાં પણ સુખદ વળાંક આવશે તેવો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કરીને નવા સંકલ્પ સાથે નવોદિત કર્મયોગીઓ આગળ વધશે તેવી અપેક્ષા સેવી હતી.
કાર્યક્રમના અંતે કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી દર્શના જરદોશ તથા અન્ય ઉપસ્થિત મહાનુભાવના વરદ હસ્તે સફળ ઉમેદવારોને નિમણૂક પત્ર આપવામાં આવ્યા હતા.
આ પ્રસંગે વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ, વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ, મેયર અને ધારાસભ્ય કેયુરભાઈ રોકડીયા, ધારાસભ્ય સર્વ ચૈતન્યસિંહ ઝાલા, ચૈતન્ય દેસાઈ, કલેક્ટર અતુલ ગોર, સીજીએસટીના પ્રિન્સિપાલ ચીફ કમિશનર અજય ઉબલે, આઈઆરસીટીસીના ડીઆરએમ અમિત ગુપ્તા, રેલવે, ઈપીએફઓ, જીએસટી વિભાગના ઉચ્ચ અધિકારીઓ, રોજગાર મેળાના નોડલ, નિમણૂક પત્ર મેળવનાર સફળ ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા.