Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા જિલ્લાનાં વઢવાણા તળાવ ‘રામસર સાઇટ’ પર મધ્ય એશિયાથી આવતા સેંકડો યાયાવર પક્ષીઓનો જમાવડો

Share

રામસર નામ સાંભળીએ એટલે એવું લાગે કે, કોઇ ગામડાં અથવા શહેરનું નામ હશે. વળી, તેમાં ‘સાઇટ’ એવો શબ્દ ઉમેરાય એટલે એવું માનવાને કારણ મળે કે, રામસર ગામમાં કોઇ બાંધકામનું કામ ચાલતું હશે. પણ એવું બિલકુલ નથી. યુનેસ્કો દ્વારા ઇરાનના રામસર શહેરમાં આ માટે થયેલી બેઠકના અનુસંધાને જાહેર કરવામાં આવેલાં સંમેલનને પગલે આવાં વિસ્તારોને ‘રામસર સાઇટ’ તરીકે માન્યતા આપવામાં આવે છે. જેના આધારે વિશ્વભરમાં આવેલાં જળપ્લાવિત વિસ્તારો, આદ્રભૂમિ (વેટલેન્ડ)માં પનપી રહેલી જીવસૃષ્ટિના સંરક્ષણ માટે આંતરરાષ્ટ્રીય ધોરણે પગલાં લેવામાં આવે છે. આદ્રભૂમિમાં વિશિષ્ટ પ્રકારની જીવસૃષ્ટિના સંરક્ષણ અને સંવર્ધન માટે આંતરરાષ્ટ્રીય કક્ષાએ રામસર સાઇટ ખૂબ જ મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. હવે આપને ખ્યાલ આવ્યો હશે કે ખરેખર રામસર સાઇટ શું છે ? તો ચાલો તેના વિશે રસપ્રદ માહિતી મેળવીએ.

વિશ્વભરમાં પક્ષીઓની અનેક જાતો વિવિધ ઋતુઓમાં અન્ય દેશોમાં પ્રવાસ કરે છે. આ પ્રવાસી પક્ષીઓના સંરક્ષણ અને સંવર્ધન હેતુ વર્ષ- ૧૯૬૦ ના દાયકામાં જે આદ્રભૂમિ પર સૌથી વધુ પ્રવાસી પક્ષીઓ આવતાં હોય તે સાઈટના રક્ષણ માટે વિવિધ દેશોની સરકાર વચ્ચે મંત્રણાઓ થઈ હતી. વર્ષ-૧૯૭૧ માં ઈરાનના ‘રામસર’ શહેરમાં નિષ્ણાંતો વચ્ચે ચર્ચાઓ થઇ હતી. જેને રામસર સંધિ તરીકે ઓળખવામાં આવે છે. પક્ષીઓના રક્ષણ માટે આ ચર્ચાઓના આધારે રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી. વર્ષ-૧૯૭૧ માં ઈરાનના રામસરમાં પર્યાવરણની રીતે ખાસ મહત્વ ધરાવતી આદ્રભૂમિને સંરક્ષણ આપવાનો કરાર થયો હતો. યુનેસ્કો સાથે સંલગ્ન રહીને આ રામસર કન્ઝર્વેશન ભેજવાળી જમીનમાં સજીવોનું વૈવિધ્ય ધરાવતાં સ્થળોને સંરક્ષિત કરવાની ભલામણ કરવામાં આવે છે. તા. ૨૧ ડિસેમ્બર,૧૯૭૫ ના રોજ પૂર્ણરૂપથી આ સંધિ લાગુ કરવામાં આવી હતી.

ભારતે આ સંધિ તા. ૧ ફેબ્રુઆરી, ૧૯૮૨ ના દિનથી અપનાવી છે. પર્યાવરણની દૃષ્ટિએ ખૂબ જ વિશિષ્ટ હોય એવાં ભેજવાળા સ્થળોને રામસર આંતરરાષ્ટ્રીય સંધિ પ્રમાણે સંરક્ષણ આપવામાં આવે છે. દર વર્ષે તેમાં નવા-નવા સ્થળો ઉમેરવામાં આવે છે. નાયબ વન સંરક્ષણ રવિરાજસિંહ રાઠોડે જણાવ્યું કે, રામસર સાઇટ નિયત કરવાં માટે કેટલાંક આંતરરાષ્ટ્રીય માપદંડો છે. જેમાં એવાં સ્થળો કે, જ્યાં જૈવ ભૌગોલિક વિસ્તારમાં જૂજ અને વિશિષ્ટ પ્રકારની આદ્રભૂમિ હોવી જોઇએ. જોખમ કે અતિ જોખમમાં હોય, લુપ્ત થવાના આરે હોય, પ્રજાતિનો નષ્ટ થવાનો ભય હોય એવી જીવસૃષ્ટિ માટે અનુકૂળ ભૂમિ હોવી જોઇએ. જૈવ ભૌગોલિક વિસ્તારમાં વૃક્ષો અને પ્રાણીસમૂહની વસતિ અનુકૂળ અને જૈવવિવિધતાને જાળવી રાખતી હોય એવી ભૂમિ હોવી જોઇએ. આવી જૈવસંપદાને આપત્તિના સમયમાં અથવા પ્રતિકૂળ સંજોગોમાં આશ્રય હોય, ૨૦ હજાર કે તેનાથી વધુ પક્ષીઓને પોષણ અને આશરો આપતી હોય, પક્ષીઓની જાતિના એક ટકા જેટલાં પક્ષીઓ પોષણ મેળવતા હોય, તેમજ આસપાસના વિસ્તારોમાં ખોરાકના સ્ત્રોત સાથે હંગામી વસવાટ માટે મેદાન અને સ્થળાંતરણનો માર્ગ હોય જે નિયમિત રીતે પક્ષી જાતિની એક ટકા જાતિના સમૂહ કે પેટા સમૂહને અનુકૂળ હોય એવી ભૂમિને ‘રામસર સાઇટ’ માટે પસંદ કરવામાં આવે છે.

Advertisement

‘રામસર સાઇટ’ જાહેર કરવાં માટે નિયત પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. ઉક્ત માપદંડો પૈકી કોઇ વિશેષતા ધરાવતાં સ્થળ માટે વનવિભાગ દ્વારા પોતાના રાજ્ય દ્વારા કેન્દ્ર સરકારના વન અને પર્યાવરણ વિભાગને દરખાસ્ત કરવામાં આવે છે. આ દરખાસ્તને આધારે નિયત માપદંડોની ચકાસણી કરી યુનેસ્કોને જે-તે આદ્રભૂમિને ‘રામસર સાઇટ’ જાહેર કરવાં માટે દરખાસ્ત કરવામાં આવે છે. યુનેસ્કોની ટીમ દ્વારા જરૂરી તપાસ કરીને જે-તે સ્થળને ‘રામસર સાઇટ’ જાહેર કરવામાં આવે છે.

દેશમાં ‘રામસર સાઇટ’ જાહેર થયાં બાદ જે-તે વિસ્તારને આંતરરાષ્ટ્રીય સ્તરે વિશેષ ઓળખ મળવાની સાથે તેની જૈવસંપદાના સંરક્ષણ માટે વિશેષ બળ અને પ્રયત્ન થાય છે. આ ઉપરાંત, જે તે રાજ્ય સરકાર દ્વારા ‘રામસર સાઇટ’ માટે વિશેષ અનુદાન આપવામાં આવે છે. ગુજરાતમાં આવેલી આવી ચાર સાઇટ માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. ૧ કરોડની ફાળવણી કરવામાં આવી છે. આપણાં દેશમાં અત્યાર સુધીમાં ૭૫ આદ્રભૂમિ (વેટલેન્ડ) વાળા વિસ્તારોમાં પોષિત થઇ રહેલી જૈવ વિવિધતાને ધ્યાને રાખીને તેને ‘રામસર સાઇટ’ તરીકે જાહેર કરવામાં આવી છે. ભારતમાં ‘રામસર સાઇટ’ હોય તેવી આદ્રભૂમિનો કુલ વિસ્તાર ૧૩,૨૬,૬૭૭ હેક્ટર જેટલો છે. ગુજરાતમાં ‘રામસર સાઇટ’ તરીકે અત્યાર સુધીમાં ચાર સ્થળોનો સમાવેશ થયો છે. જેમાં વર્ષ-૨૦૧૨ માં અમદાવાદ નજીક નળ સરોવર પક્ષી અભયારણ્ય, વર્ષ- ૨૦૨૧માં મહેસાણા જિલ્લાના થોળ તળાવ પક્ષી અભયારણ્ય, વડોદરા જિલ્લાના ડભોઇ નજીક વઢવાણા તળાવ અને જામનગર જિલ્લાના ખીજડિયા પક્ષી અભયારણ્યને ‘રામસર સાઇટ’ જાહેર કરવામાં આવી છે. આ ચારેય સાઇટનો કુલ વિસ્તાર ૧૩,૮૪૧ હેક્ટર જેટલો થાય છે.

કુલ ત્રણ પ્રકારની ‘રામસર સાઇટ’ હોય છે. જેમાં દરિયાઇ અને દરિયાઇ પટ્ટી, આંતરિક આદ્રભૂમિ અને માનવ સર્જિત આદ્રભૂમિ એમ ત્રણ પ્રકાર છે. મજાની વાત તો એ છે કે, આખા ભારતમાં માનવ સર્જિત આદ્રભૂમિ હોય એવી માત્ર પાંચ જ ‘રામસર સાઇટ’ છે, જેમાંથી એક ગુજરાતની ‘વઢવાણા તળાવ’ છે. આ તળાવ મહારાજા સયાજીરાવ ત્રીજાએ બનાવ્યું હતું. આવાં માનવ નિર્મિત જળપ્લાવિત વિસ્તાર બિહારમાં એક, તામિલનાડુમાં બે અને મહારાષ્ટ્રમાં એક છે.

આપણાં દેશમાં કુલ ૭૫ ‘રામસર સાઇટ’ છે. જેમાં સૌથી વધુ ‘રામસર સાઇટ’ તામિલનાડુમાં ૧૪, તે બાદ ઉત્તરપ્રદેશમાં ૧૦ સાઇટ છે. જ્યારે, હિમાચલ પ્રદેશમાં ૩, કર્ણાટક, ત્રિપૂરા, ઉત્તરાખંડ, ગોવા, મણિપૂર, મિઝોરમ, આસામ, આંધપ્રદેશ અને બિહારમાં એક-એક સાઇટ આવેલી છે. જમ્મુ કાશ્મીરમાં પાંચ, હરિયાણા, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, લદ્દાખમાં બે-બે, કેરળ અને મહારાષ્ટ્રમાં ત્રણ-ત્રણ, પંજાબ, ઓડિશામાં છ-છ, એવી જ રીતે ગુજરાત અને મધ્યપ્રદેશમાં ચાર-ચાર રામસર સાઇટ છે.

નળ સરોવરઃ ૧૨ હજાર હેક્ટરમાં પથરાયેલાં છીછરા પાણીના તળાવ- નળ સરોવરને વર્ષ: ૨૦૧૨ માં પક્ષી અભયારણ્ય જાહેર કરવામાં આવ્યું હતું. જ્યાં પેંણ, હંજ, કૂંજ, કરકરા, વિવિધ બતકો અને વેડર્સ, આડ, ટીંટોડી, રેડબ્રેસ્ટેડ ગૂઝ, નમાકવા ડવ જેવાં દેશી-વિદેશી પક્ષીઓ જોવાં મળે છે.

થોળઃ ૬૯૯ હેક્ટરમાં ફેલાયેલાં થોળ વનજીવ અભયારણ્યને વર્ષઃ ૨૦૨૧ માં ‘રામસર સાઇટ’ તરીકેની માન્યતા આપવામાં આવી હતી. તેમાં સારસ, કૂંજ, કરકરા, રાજહંસ, ગાજહંજ, શ્વેતભાલ હંસ, વેડર્સ, સ્થાનિક અને યાયાવર બતકો જોવાં મળે છે.

વઢવાણા તળાવઃ વઢવાણા તળાવને વર્ષઃ ૨૦૨૧ માં જળપ્લાવિત વિસ્તાર ૬૩૦ હેક્ટરમાં ફેલાયેલો છે. આ માનવ નિર્મિત ‘રામસર સાઇટ’ છે. અહીં ગાજહંસ, ગજપાંઉ, મત્સ્યભોજ, ભગવી સૂરખાબ, રાખોડી કારચિયા, લાલઆંક કારચિયા, વિવિધ બતકો અને વેડર્સ જેવાં પક્ષીઓ જોવાં મળે છે.

ખીજડિયાઃ ૫૧૨ હેક્ટરમાં પથરાયેલાં ખીજડિયા જળપ્લાવિત વિસ્તારને વર્ષઃ ૨૦૨૧માં રામસર સાઇટનો દરજ્જો મળ્યો છે. અહીં પેંણ, ચમચા, જળહળ, ઉલટી ચાંચ, કાળી ડોક ઢોંક, મોટી ચોટીલી ડૂબકી સહિતના પક્ષીઓ જોવાં મળે છે.

રાજ્યની ઉપરોક્ત ‘રામસર સાઇટ’ ઉપર શિયાળામાં મધ્ય એશિયાથી આવતા સેંકડો યાયાવર પક્ષીઓનો જમાવડો થાય છે. રાજ્ય સરકાર દ્વારા પણ આ સાઇટને વિકસાવવાં માટે વિવિધ સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે. વિકાસ સાથે પ્રકૃતિનું પણ જતન અને સંવર્ધન થાય તે સમયની માંગ છે. પ્રકૃતિની સમતુલા જાળવવાં માટે તે જરૂરી છે તેને ધ્યાનમાં રાખીને રાજ્યમાં પણ નવી નવી સાઇટોને ‘રામસર સાઇટ’ તરીકે જાહેર કરવામાં આવે તે માટે વન વિભાગ દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે.


Share

Related posts

રાજપીપળા : તિનકા તિનકા ઈન્ડિયા એવોર્ડસ- 2021 માટે 16 કેદીઓ અને 2 જેલ અધિકારીઓની પસંદગી.

ProudOfGujarat

લીંબડીમાં સ્મશાને આવતા કોરોનાનાં મૃતદેહોને અટકાવતાં રહીશો.

ProudOfGujarat

આવતીકાલે યોજાનાર ચૂંટણી અંગેની મહત્વની બાબતો.જાણો સાથે રાખવાના ઓળખપત્ર વિશે…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!