Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા: ડભોઇ તાલુકાના વાયદપુરા ગામનાં શિક્ષક દંપતીનું કન્યા કેળવણી પ્રોત્સાહક સરાહનીય કાર્ય

Share

કન્યા કેળવણી વડોદરા માટે તો સયાજીરાવ મહારાજની ભેટ છે.રાજ્ય સરકાર પણ દીકરીઓને ભણાવવાનો આગ્રહ રાખે છે.ત્યારે એક શિક્ષક દંપતીએ પોતાના ગામની અને બહારગામ ભણવા જતી દીકરીઓ માટે શાળા સુધી વાહન વ્યવસ્થા કરવાની સરાહનીય અને કન્યા કેળવણી પ્રોત્સાહક ધગશ બતાવી છે.તેમની આ વ્યવસ્થામાં ગામલોકોએ ટેકો આપીને તેમનો ઉત્સાહ વધાર્યો છે.

વાત ડભોઇ તાલુકાના વાયદપુરા ગામની છે.આ ગામમાં પાંચમાં ધોરણ સુધીની સરકારી પ્રાથમિક શાળા છે અને તે પછી ઉચ્ચતર પ્રાથમિક શિક્ષણ મેળવવા આ ગામના વિદ્યાર્થીઓને નજીકના ભિલાપુર ગામ જવું પડે છે.બંને ગામ વચ્ચે અઢી કિલોમીટરનું અંતર છે.અને પગપાળા શાળા સુધી પહોંચવા અને ભણીને પાછા ઘેર આવવામાં લગભગ ૫ કિલોમીટર પદયાત્રા કરવી પડે છે.

વાયદપુરાની પ્રાથમિક શાળામાં ૫ સુધી ભણીને, આ શાળાની ૮ પૂર્વ વિદ્યાર્થિનીઓ આગળ અભ્યાસ માટે નજીકના ભિલાપુર ગામની ધોરણ ૮ સુધીની શાળામાં જોડાઈ.આ વિદ્યાર્થિનીઓને પોતાનું શિક્ષણ ચાલુ રાખવા રોજ અંદાજે ૫ કિલોમીટરની પગપાળા મુસાફરી કરવી પડતી. આર્થિક નબળા પરિવારના વાલીઓ પોતાની દીકરીઓ માટે પરિવહન ખર્ચ કરે એવી સ્થિતિ હતી નહિ. પરિણામે આ વિદ્યાર્થિનીઓના ભણતર અને હાજરીમાં અનિયમિતતા આવી અને તેઓ અભ્યાસ જ છોડી દે એવો ખતરો સર્જાયો.

Advertisement

આ વાતની જાણકારી વાયદપૂરા શાળાના શિક્ષક દંપતી નરેન્દ્રભાઇ ચૌહાણ અને તેમના ધર્મપત્ની સુષ્માબેનના ધ્યાન પર આવી.તેમની શાળાની,તેમની દેખરેખ હેઠળ ભણેલી વિદ્યાર્થિનીઓ નજીકની શાળામાં જવા માટેની પરિવહન વ્યવસ્થાના અભાવે ભણતરમાં અનિયમિત અને નબળી બને અને આખરે ભણવાનું છોડી દે એ વાત આ શિક્ષક દંપતીને મંજૂર ન હતી.
એટલે તેમણે આ દીકરીઓને શાળામાં જવા – આવવા માટે વાહન વ્યવસ્થા કરવાનો સંકલ્પ કર્યો. રાજ્ય સરકાર ગામ અને શાળા વચ્ચે ત્રણ કિલોમીટરનું અંતર હોય તો પરિવહન સહાય હેઠળ વાહન વ્યવસ્થા આપે છે.પરંતુ કમનસીબે વાયદપૂરા અને ભીલાપુર વચ્ચે માંડ ૨.૫૦ કીમીનું અંતર હોવાથી તેનો લાભ મળવો શક્ય ન હતો.

શિક્ષક દંપતીએ આ મૂંઝવણનો ઉકેલ આણવા આ છોકરીઓ માટે વાહન વ્યવસ્થા કરવાનો પડકાર ઝીલી લીધો. ગામલોકોના ધ્યાન પર આ વાત મૂકવામાં આવતા આ વ્યવસ્થામાં દાતાઓનો આર્થિક સહયોગ મળ્યો. પરિણામે આ દીકરીઓ હવે વાનમાં પોતાના ગામથી શાળા સુધી આવતી જતી થઈ છે અને એમનું શિક્ષણ સચવાયું છે.

નરેન્દ્રભાઇ કહે છે કે નજીકની વસાહતમાંથી એક વાહન દરરોજ ભિલાપુરની શાળામાં છોકરાઓને લઈ જાય છે.એની સાથે સંકલન કરીને અમે અમારી પૂર્વ વિદ્યાર્થિનીઓ માટે પરિવહન સુવિધા ગોઠવી છે.અને આ શુભ સંકલ્પમાં લોક સહયોગ મળતાં અમારું કામ સરળ થયું છે.
અમારી પૂર્વ વિદ્યાર્થિનીઓ હવે પોતાનું ભણતર ચાલુ રાખી શકશે તેનો અમને આનંદ છે.

આ શિક્ષક દંપતીની કન્યા કેળવણી માટેની આ ધગશ અને તેમને ટેકો આપનારા દાતાઓની ઉદારતાને લીધે સામાન્ય પરિવારોની દીકરીઓનું શિક્ષણ સચવાય એના થી મોટી કોઈ વાત હોઈ શકે ખરી..!!


Share

Related posts

દેડિયાપાડા, સાગબારા અને તિલકવાડા બાર એસો.ની ચૂંટણીમાં નવા પ્રમુખ ઉપપ્રમુખ ચૂંટાયા.

ProudOfGujarat

ભારતીય મૂળની મનપ્રીત મોનિકા સિંહે અમેરિકામાં રચ્યો ઈતિહાસ, પહેલી શીખ મહિલા જજ બની

ProudOfGujarat

ભરૂચ : ટ્રાન્સપોર્ટ સાથીદારની દાદાગીરી : ઝઘડીયા ખાતે ટ્રાન્સપોર્ટના ધંધાની મથામણમાં આરોપીએ તેના દીકરા સાથે મળીને ઈસમના ગળામાંથી ચેઇન ઝુંટવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!