વડોદરામાં છેલ્લા ઘણાં સમયથી માદક દ્રવ્યો જેવા કે ચરસ, ગાંજો, એમ.ડી. ડ્રગ્સના વેચાણમાં વધારો થઇ રહ્યો છે. આથી વડોદરા પોલીસે માદક દ્રવ્યોનું વેચાણ કરતા ઇસમો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. વડોદરા શહેર SOG પોલીસે અલ્કાપુરી વિસ્તારમાંથી 4.62 લાખની કિંમતના 3.80 કિલો ગ્રામ હસીસ (ચરસ)ના જથ્થા સાથે બે આરોપીને ઝડપી પાડ્યા હતા. જ્યારે આ ગુનામાં સંડોવાયેલા અન્ય 3 આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે.
માહિતી મુજબ, વડોદરા SOG ના અનાર્મ હેડ કોન્સ્ટેબલ જયદીપસિંહને બાતમી મળી હતી કે, શાહનબાઝ ઉર્ફે શાનું શેખ તેની મોપેડ લઈને અગ્રસે ભવન ગેસ્ટ હાઉસ પાસે એક બિહારી પુરુષ પાસેથી ચરસનો જથ્થો ખરીદવાનો છે. આ બાતમીના આધારે એસઓજીની ટીમે વોચ ગોઠવી હતી અને શાહનવાઝ સાથે ચરસનો જથ્થો આપવા આવનારા અઝીમુદ્દીન અન્સારીની ધરપકડ કરી હતી. તેમની પાસેથી પોલીસે રૂ. 4.62 લાખની કિંમતનો 3.80 કિલો ગ્રામ ચરસનો જથ્થો કબજે કર્યો હતો.
આ સાથે પોલીસે રૂ. 1.61 લાખ રોકડ, મોબાઇલ ફોન અને મોપેડ મળી કુલ 7.03 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપીઓની પુછપરછમાં આ કેસમાં વોન્ટેડ પ્રદીપ. ઇસ્માઈલ શેખ, સંતોષના નામ પણ સામે આવ્યા હતા. આથી પોલીસે તેમની વિરુદ્ધ પણ ગુનો દાખલ કરી તેમની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.