ઉત્તરાયણના તહેવાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે રાજ્યમાં ચાઇનીઝ દોરીના વેચાણ સામે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમ છતાં ચાઇનીઝ દોરીનું વેચાણ થઈ રહ્યું છે અને આ ચાઈનીઝ દોરીના કારણે વડોદરામાં છેલ્લા બે દિવસમાં બે વ્યક્તિના મોત થયા છે. બે વ્યક્તિના મોત બાદ સ્થાનિક તંત્ર સફાળું જાગ્યું છે. ચાઈનીઝ દોરીથી અન્ય કોઈ વ્યક્તિનું મોત ન થાય અથવા કોઈને ઇજા ન પહોંચે તે ઉદ્દેશ્ય સાથે શહેરના વિવિધ બ્રિજ પર શેફ્ટી તાર લગાવવામાં આવી રહ્યા છે.
વડોદરામાં છેલ્લા બે દિવસમાં ચાઈનીઝ દોરીથી 2 લોકોના મોત થયા છે. ત્યાર હવે અન્ય લોકોને ઇજા ન થાય કે નુકસાન ન પહોંચે તે માટે વડોદરા તંત્ર દ્વારા શહેરના વિવિધ બ્રિજ પર લોખંડના શેફ્ટી તાર લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. માહિતી મુજબ ઓવરબ્રિજ પર આવેલા વીજપોલ સાથે જોડીને લોખંડના તાર બાંધવામાં આવી રહ્યા છે, જેથી પતંગની દોરી તારમાં ફસાઈ જાય અને વાહનચાલકોને નુકસાન થતું અટકે.
બીજી તરફ રાજ્યભરમાં ચાઇનીઝ દોરીના વેચાણ પણ પ્રતિબંધ હોવા છતા પણ ઉત્તરાયણ નિમિત્તે રાજ્યના મોટાભાગના શહેરનોમાં ચાઈનીઝ, નાયલોન દોરી ચાઇનીઝ તુક્કલનું વેચાણ યથાવત છે. જોકે વડોદરા પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરી ગઈકાલે ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા 5 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા 2 લોકોને છાણી પોલીસે ઝડપ્યા હતા અને તેમની પાસેથી 30 ફિરકી કબજે કરી હતી. જ્યારે સિટી પોલીસે 3 લોકોની ધરપકડ કરી હતી અને 20 ફિરકી ઝડપી હતી. આ સિવાય વડોદરાની ઇ ડિવિઝન પોલીસ દ્વારા શહેરના પાણીગેટ અને વાડી વિસ્તારમાં આવેલા પતંગ બજારોમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.