વિશ્વ શતરંજ સંઘ દ્વારા પ્રમાણિત તથા ઓલ ઇન્ડિયા ચેસ ફેડરેશન અને ગુજરાત સ્ટેટ ચેસ એસોસિયેશનનાં નેજા હેઠળ દિવ્યમ ફાઉન્ડેશન દ્વારા આયોજિત સૂર્યા ટ્રોફી ઓલ ઇન્ડિયા ઓપન ફિડે રેટેડ ચેસ ટુર્નામેન્ટ તા. 27 ડિસેમ્બર થી 1 જાન્યુઆરી સુધી સયાજીગંજ ખાતે આવેલી ટુ સ્ટાર હોટેલ સૂર્યા ખાતે આયોજિત થઈ હતી.
દેશના મોટાભાગના રાજ્યોમાંથી કુલ 119 શતરંજ ખેલાડીઓ આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહ્યા હતા. કુલ ૫ લાખ રૂપિયાના ઇનામો અને સંખ્યાબંધ ટ્રોફી ધરાવતી સૂર્યા ટુર્નામેન્ટમાં દસ રાઉન્ડનાં અંતે સૌથી વધુ 9.5 પોઇન્ટ સાથે રેલવે તરફથી રમતાં ઇન્ટરનેશનલ માસ્ટર હિમલ ગુંસાઈ વિજેતા બન્યા હતા. તેમને ₹ 75000 નું રોકડ ઈનામ તથા સૂર્યા ચેમ્પિયન ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. બીજા ક્રમાંકે અંશનંદન નેરૂર્કર વિજેતા બન્યા હતા, તેમને રૂપિયા પચાસ હજારનું રોકડ ઇનામ આપવામાં આવ્યું હતું તેમજ ત્રીજા ક્રમાંકે રેલવેનાં જ ઇન્ટરનેશનલ માસ્ટર રાહુલ સંગમા રહ્યા હતા. તેમણે રૂપિયા પચીસ હજારનું રોકડ ઇનામ પ્રાપ્ત કર્યું હતું. તદુપરાંત જુદી જુદી કેટેગરીમાં અન્ય 52 ખેલાડીઓને ટ્રોફી અને રોકડ રકમનાં પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા.
ટુર્નામેન્ટનાં ઇનામ વિતરણ સમારોહનાં મુખ્ય મહેમાન એમ એસ યુનિવર્સિટીના સ્પોર્ટ્સ ડીન ડો. હરજીત કૌર ના હસ્તે વિજેતાઓને ટ્રોફી અને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. અન્ય મહાનુભાવોમાં સૂર્યા હોટેલનાં ડિરેક્ટર પાર્થિવ અગ્રવાલ, ગુજરાત સ્ટેટ ચેસ એસોસિયેસનનાં ઉપપ્રમુખ મયુર પટેલ, મિનરલ ચેસ એકેડેમીનાં ડિરેક્ટર તથા ફીડે આર્બિટર અને ટ્રેનર પૃથ્વી રાજ અને ટુર્નામેન્ટનાં ચીફ આર્બિટર અંબરીશ જોશી એ પણ અલગ અલગ કેટેગરીના ખેલાડીઓને ઇનામો એનાયત કર્યા હતા.
આ ટુર્નામેન્ટમાં રમી રહેલા વડોદરાના ખેલાડીઓ પૈકી આહન માહેશ્વરી, ભૃગલ શાહ અને કુ. શ્રિયા પટેલ ને તેમની રમતના આધારે ઇન્ટરનેશનલ રેટિંગ મળ્યું હતું જેને આ ટુર્નામેન્ટની સૌથી મોટી ઉપલબ્ધિ ગણી શકાય.