પાદરા શહેર તાલુકામાં ઠંડા પીણાં, કરિયાણા અને ડેરીના ધંધાર્થીઓ, મીઠાઈ તેમજ ફરસાણ વગેરેમાં વાર-તહેવારો ટાણે ખાધચીજ વસ્તુઓ વેચાણમાં ઉછાળો આવતાં ફૂડ અને ડ્રગ્સ નિયમન તંત્રની દોડધામ વધી જાય છે. ફૂડ અને ડ્રગ્સ તંત્રની કામગીરી વચ્ચે કથિત ભ્રષ્ટાચાર આચરાયો હોવાની પણ રાવ ઉઠવા પામી છે.
તહેવારોમાં લોકોને શુદ્ધ તેમજ ગુણવત્તાયુક્ત મીઠાઈઓ સહિત ખાદ્ય ચીજ-વસ્તુઓ વગેરે ગુણવતાવાળા મળી રહે તેની જવાબદારી જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન કચેરીની રહે છે. પાદરા તાલુકામાં નોંધાયેલ ફૂડ વિક્રેતા તેમજ ઉત્પાદકો સિવાય વાર તહેવારો ટાણે અનેક મીઠાઈ અને ફરસાણની હાટડીઓ ખૂલી જવા પામે છે. જ્યારે તપાસણીના બહાના તળે કેટલાક ભ્રષ્ટ સરકારી બાબુઓ અને તેના મળતિયા ઉઘરાણુ કરતાં હોવાની પણ ફરિયાદો ઉઠવા પામી છે. કરિયાણા અને ડેરીના ધંધાર્થીઓ, મીઠાઈ તેમજ ફરસાણ બનાવતી ફેક્ટરીઓ અને વેપારીઓ દ્વારા પ્રજાના આરોગ્યની ચિંતા કર્યા સિવાય (non-standard quality) હલકી ગુણવતાવાળું વેચાણ કરી રહ્યાં હોય તેમજ ફરસાણમાં બળેલા તેલનો ઉપયોગ કરીને તેમાં તળેલી ચીજ વસ્તુઓ વેચી રહ્યાં છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તેમાં કંઈ કરતાં નથી. કારણ કે એક દુકાનેથી વર્ષના રૂ. ૪ હજારથી 30 હજારનો હપ્તો લઈને ઉકાળેલા તેલમાં ભ્રષ્ટાચારરૂપી હાથ બોળે છે.
સુત્રો મુજબ મળતી માહિતી અનુસાર પાદરામાં દિવાળી ટાણે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના ફૂડ સેફટી ઓફીસર એ.બી રાઠવા નાઓએ ઘણી ગાંઠી (બે-પાંચ) દુકાનોની તપાસ કરી સેમ્પલ લીધેલ બાકીના વેપારીઓની તપાસ કરેલ ન હોય તેવી જાણકારી મળતા આ મામલે માહિતી અધિકાર અધિનયમ-૨૦૦૫ હેઠળ માહિતી માંગતા કચેરીના અધિકારી તેમજ કર્મચારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. આ મામલો કચેરીની બહાર સુધી કેવી રીતે પહોંચ્યો તે શોધવા પણ દોડધામ મચી જવા પામી છે. કચેરીનો સ્ટાફ એકબીજા પર શંકા સેવી રહ્યા છે.
પાદરામાંથી કરિયાણા વેપારીઓ પાસે ૪ હજાર લેખે, ડેરીના ધંધાર્થીઓ પાસે ૧૫ હજારથી ૨૫ હજાર, મીઠાઈ તેમજ ફરસાણના વેપારીઓ પાસે ૨૫ હજારથી ૩૦ હજાર સુધી હપતો લઇ અંદાજે ૫ લાખથી વધુના ભ્રષ્ટાચારની ચર્ચા તો પાદરા તાલુકા અને વડોદરા જીલ્લામાં આવા ભ્રષ્ટ અધિકારીઓએ કેટલો ભષ્ટાચાર કર્યો હશે. તહેવારોમાં સૌથી મોટો કથિત ભ્રષ્ટાચાર ફૂડ અને ડ્રગ્સની કચેરી તરફથી થતો હોવાની ચર્ચાએ વેગ પકડ્યો છે.