વડોદરાના કરજણ તાલુકાના કલા સ્થિત ફૈઝ રસુલ બાવાની દરગાહમાં ચોરી થતા ચકચાર મચી જવા પામી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર કોઈ અજાણ્યો ચોર ઈસમે દરગાહમાં પ્રવેશ કરી દરવાજો ખોલી દાનપેટીમાં રહેલા અંદાજે ચારથી પાંચ હજાર રૂપિયાની ચોરી કરી પલાયન થઈ ગયો હતો. બનાવ સંદર્ભે કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવા પામી છે. કરજણ તાલુકાના કલા ગામે ફૈઝ રસુલ બાવાની દરગાહ આવેલી છે. જ્યાં મુસ્લિમ સમાજના બિરાદરો દર્શન અર્થે આવતા હોય છે.
દરગાહની દેખરેખ તથા સાફ સફાઈ તેમજ અન્ય સમારકામ માટે છેલ્લા પાંચેક વર્ષ પહેલાં ગામના લોકોએ દરગાહની અંદર આવેલ ગર્ભગૃહમાં નકુચાવાળી ગેલવેનાઇઝના પતરાની દાનપેટી મુકેલ હોવાનું કહેવાય છે. ગત તા. 20 ના રોજ સવારમાં દરગાહની દેખરેખ અને સેવા કરી રહેલા સાજીદભાઈ નિત્યક્રમ મુજબ દરગાહની સાફ સફાઈ કરી બજારના કામ અર્થે ગયા હતાં અને કામ પૂર્ણ કરી દરગાહ ઉપર પરત આવતાં ગર્ભગૃહની અંદર મુકેલ દાનપેટી ગાયબ હતી.પરિણામે દાનપેટીમાં રહેલા અંદાજે ચારથી પાંચ હજારની મત્તા કોઈ ચોર ઈસમ ઉપાડી ગયાનું માલુમ પડતાં સાજીદભાઈએ કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસ અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
યાકુબ પટેલ, કરજણ