સમગ્ર દેશના નાગરિકોમાં દેશ માટે શહીદ થયેલા જવાનો પ્રત્યે દેશદાઝની ભાવના રહે અને સશસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળમાં ઉદાર હાથે ફાળો આપે તે માટે દર વર્ષે ૭ ડિસેમ્બરને “સશસ્ત્ર સેના ધ્વજ દિન” તરીકે ઉજવણી કરવામાં આવે છે. ત્યારે, આજરોજ કલેક્ટર અતુલ ગોર દ્વારા વડોદરા ખાતે સશસ્ત્ર સેના ધ્વજ દિનની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. દેશની સુરક્ષા અને અખંડીતતા માટે પોતાનું સર્વોચ્ચ જીવન સમર્પિત કરનારા આપણા શૂરવીર સૈનિકો અને તેઓના પરિવારજનોની કૃતજ્ઞતાનું આ દિવસે અભિવાદન કરવામાં આવે છે.
આ અવસરે સેવારત અને નિવૃત સૈનિકો તેમજ તેમના પરિવાર માટે ભંડોળ એકત્ર કરવાની શરૂઆત કલેકટરના હસ્તે કરાઈ હતી. આજે વડોદરા ખાતે જિલ્લા કલેકટર એ. બી. ગોરે સશસ્ત્ર સેના ધ્વજ દિન નિમિતે સૈનિકો માટે ફાળો આપી સશસ્ત્ર સેના ધ્વજ દિનનો શુભારંભ કરીને અપીલ કરતા કહ્યું કે, દેશની સુરક્ષા કાજે સતત દિવસ રાત ફરજ બજાવતા સૈનિકો અને તેઓના પરિવારજનોના કલ્યાણ માટે વડોદરા જિલ્લા-શહેરના નાગરિકો ઉદાર હાથે ફાળો આપી તેઓનું ઋણ અદા કરે. આ ભંડોળનો ઉપયોગ સૈનિકો અને તેઓના પરિવારજનોની કલ્યાણકારી યોજનાઓ માટે કરવામાં આવે છે.
આ કાર્યક્રમમાં નિવાસી અધિક કલેક્ટર ડો. બી. એસ. પ્રજાપતિ, જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારીશ્રી એસ. એસ. રાઘવ, કચેરી અધિક્ષક આર. બી. ઝાલા ઉપરાંત વિવિધ વિભાગના સરકારી અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વડોદરા ખાતે સશસ્ત્ર સેના ધ્વજદિનની ઉજવણીનો કલેક્ટર એ કરાવ્યો પ્રારંભ.
Advertisement