ગુજરાત વિધાનસભાની આ ચૂંટણીમાં વડોદરા શહેરમાં થયેલા મતદાનની અંતિમ ટકાવારી કેટલીક મહત્વપૂર્ણ બાબતો ઉપર ધ્યાન આકર્ષે છે. વિધાનસભાની ગત ચૂંટણીમાં થયેલા ઓવા મતદાનવાળા બૂથો ઉપર જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરાયેલા મતદાર અને મતદાન જાગૃતિના સર્વગ્રાહી પ્રયાસોના કારણે આવા બૂથો ઉપર આ ચૂંટણીમાં બમ્પર મતદાન થયું છે. આવા મતદાન મથકો ઉપર ૨૦થી ૨૫ ટકા જેટલો વધારો થયો છે.
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અતુલ ગોરે ઉક્ત માહિતી આપતા જણાવ્યું કે, વડોદરા શહેરીની કુલ પાંચ બેઠકોમાં સૌથી ઓછું મતદાન થયું હોય એવા કુલ ૫૦ મતદાન મથકો ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. આ મતદાન મથકો હેઠળ આવતા વિસ્તારોમાં અવસર અભિયાન અને સ્વીપ અંતર્ગત વ્યાપક મતદાન જાગૃત્તિના કાર્યક્રમો યોજીને નાગરિકોને તેમાં જોડવામાં આવ્યા હતા.
દેશમાં અન્ય કોઇ સ્થળે ના થઇ હોય એવી નવતર પહેલ આ વખતે વડોદરામાં ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવી હતી. મતદાનના દિવસે ઉક્ત પ્રકારના બૂથો ઉપર જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના છાત્રોને જોડીને બે એફએમ રેડિયો ઉપર બૂથો ઉપર લાગેલી કતારની માહિતી પ્રસારિત કરવામાં આવી હતી.
જિલ્લા કલેક્ટર અતુલ ગોરના સીધા માર્ગદર્શન હેઠળ આવા છાત્રોને તાલીમ આપવામાં આવી હતી. જિલ્લા ચૂંટણી તંત્રએ સર્વપ્રથમ વખત છાત્રોને મતદાન દિવસના આઇકાર્ડ આપવા સાથે નિયમોનુસાર મહેનતાણું પણ આપવામાં આવશે. આ પ્રયોગ ખૂબ અસરકારક સાબિત થયો હતો. આ ઉપરાંત આવા બૂથ ઉપર ઢોલ સાથે મતદારોનું અદકેરૂ સ્વાગત કરવામાં આવ્યું હતું. જેનાથી મતદારો ભારે પ્રભાવિત થવા સાથે મતદાન માટે ઉત્સાહિત થયા હતા. આ ઉપરાંત, કલેક્ટર દ્વારા સોશ્યલ વર્ક વિદ્યાશાખાના છાત્રોને પણ દિવ્યાંગજનોની મદદ માટે ચૂંટણી પ્રક્રીયામાં જોડવામાં આવ્યા હતા.
આ પ્રયોગોને પરિણામે વડોદરા શહેર બેઠકના ફતેપૂરા, બાપોદ, સવાદ, હરણી અને વડોદરા કસ્બા સહિતના વિસ્તારો, માંજલપુર બેઠકમાં કપૂરાઇ, તરસાલી, મકરપૂરા, વડોદરા કસ્બા, અકોટા બેઠકના અટલાટદરા, ગોત્રી, અકોટા, જેતલપુર વિસ્તારો, સયાજીગંજ બેઠકમાં વડોદરા કસ્બા, સમા, નિઝામપૂરા સહિતના વિસ્તારોમાં આવેલા મતદાન મથકોમાં સાત ટકાથી માંડીને ૨૫ ટકા સુધીનો વધારો નોંધાયો હતો.
એવી જ રીતે સ્વીપ જાગૃતિ અભિયાનના પરિણામે વડોદરા જિલ્લાની સાવલી બેઠકમાં ગત વિધાનસભામાં ઓછું મતદાન ધરાવતા ૧૧ મતદાન મથકોમાં ૨૩ ટકાથી લઇ ૪૦ ટકા સુધીનો વધારો નોંધાયો છે. વાઘોડિયામાં સાત મતદાન મથકો ઉપર ૧૪ ટકાથી લઇ ૪૫ ટકા સુધીનો વધારો થયો છે. ડભોઇમાં સાત મતદાન મથકો ઉપર ૨૦ ટકાથી લઇ ૨૭ ટકા સુધી વધારો નોંધાયો છે. પાદરામાં ૧૦ મતદાન મથકો ઉપર મતદાનની ટકાવારીમાં લઘુત્તમ ૨૮થી લઇ મહત્તમ ૫૯ ટકાનો વધારો નોંધાયો છે. કરજણ વિધાનસભા બેઠકમાં ૧૦ બૂથો ઉપર ૧૩ થી લઇ ૪૪ ટકા સુધીનો મતદાનમાં વધારો થયો છે.