ગુજરાતમાં આજે વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. આ સાથે જ ગુજરાતમાં ચાલી રહેલો ચૂંટણી જંગ તેના અંતિમ ચરણમાં પહોંચી ગયો છે. ત્યારે ઘણા ઉમેદવારોને ટિકિટ ન મળ્યા બાદ બળવો કરીને અપક્ષ ઉમેદવારી નોંધાવ્યા બાદ અને આ વખતની ચૂટણીમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રીના કારણે આ વખતની ચૂંટણી વધુ રસપ્રદ બની રહી છે.
ત્યારે એવા જ એક ભાજપમાંથી ટિકિટ ન મળ્યા બાદ બળવો કરીને અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણીમાં ઉભા રહેલા નેતા મધુ શ્રીવાસ્તવે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. મધુ શ્રીવાસ્તવ વડોદરાના વાઘોડિયાના અપક્ષ ઉમેદવાર છે, તેમણે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યા બાદ ભાજપ પર આરોપ લાગ્યા અને પોતાની ટિકિટ કપાઈ જવાનું કારણ જણાવ્યું હતું.
મધુ શ્રીવાસ્તવે મતદાન કર્યા બાદ એક મોટું નિવેદન આપતા હડકંપ મચી ગયો છે. તેમણે કહ્યું કે મેં 300 કરોડનું કૌભાંડ ઝડપ્યું હતું, જેથી મારી ટિકિટ કાપી દીધી. ભાજપ પર આવા ગંભીર આક્ષેપો બાદ રાજકારણમાં ગરમી વધી છે. જણાવી દઈએ કે ભાજપના ધારાસભ્ય રહી ચૂકેલા મધુ શ્રીવાસ્તવને ભાજપે ટિકિટ ન આપતા પક્ષમાંથી રાજીનામુ આપીને અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. ત્યારે એમને આપેલું આ નિવેદન બાદ હવે તેમના ભાજપ સાથેના સંબંધો કેવા રહે છે એ જોવું રહ્યું. જો કે ભાજપે પહેલા આજ બળવાખોર નેતાઓ સામે આકરા પગલાં લઈ લીધા હતા. તો બીજી તરફ મધુ શ્રીવાસ્તવે ભાજપમાં જોડાવાને લઈને જણાવ્યું હતું કે ચૂંટણી જીત્યા બાદ ભાજપમાં જોડાવું કે નહીં, એ અંગેનો નિર્ણય કાર્યકરો કરશે.
આજે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના 14 જિલ્લાની 93 બેઠકો પર સવારે 8 વાગ્યાથી મતદાન શરુ થઈ ગયું છે અને સાંજે 5 વાગે મતદાન પૂર્ણ થઈ જશે.