વડોદરામાં જરોદ ખાતે ફરી એકવાર મધુ શ્રીવાસ્તવે દાદાગીરીના અંદાજમાં લોકો સમક્ષ કહ્યું હતું કે, તમે 7 નંબરનું બટન દબાવજો બીજા તો 6 નંબરના છક્કાઓ છે. આ સાથે મધુ શ્રીવાસત્વે મૂંછો પર તાવ આપ્યો હતો અને કહ્યું કે, હું એ જ જ 1995 ના સમયનો બાહુબલી છું. આમ ફરી એકવાર મધુ શ્રીવાસ્તવે બફાટ કર્યો હતો.
વડોદરા નજીકના જરોદમાં ખાતેના કાર્યક્રમમાં બીજેપીથી રાજીનામું આપી ચૂકેલા અને સતત જીતતા આવેલા અપક્ષ ઉમેદવાર મધુ શ્રીવાસ્તવે કહ્યું કે, કોઈ મારા કાર્યકર્તાનો કોલર પકડેને તો હું આજે પણ 1995 નો બાહુબલી છું. તમે 7 નંબરનું બટન દબાવો બાકીના 6 નંબરના તો છક્કાઓ છે. આમ ફરી એકવાર તેમને બફાટ કર્યો હતો. અગાઉ ગોળી મારવાના નિવેદનને લઈને તેઓ ચર્ચામાં આવ્યા હતા અને પછીથી સ્પષ્ટતા કરતા કહ્યું કે, ગોળી તો મીઠી ગોળી કે દવાની ગોળી પણ હોઈ શકે છે.
મધુ શ્રીવાસ્તવે કહ્યું કે, કોઈએ કોઈ કામ કર્યું નથી. તમે મને ટીવી પર અને રૂબરૂ જોયો જ હશે. ઘરે આવ્યા પછી પણ તમે જોયું જ હશે. આ 6 ઉમેદવારોમાં ભાગ્યે જ કોઈનું ઘર જોવા મળ્યું છે. તેમને પેટ્રોલ પંપ, ફાર્મ હાઉસ બતાવ્યા હશે તેમને બીજું કંઈ કર્યું નહીં. લોકોના કામ કરવા માટે તેમને પાઠ ભણાવવો જોઈએ. વિકાસના કામ કરો જેથી લોકોને રોજીરોટી મળે. પાણી આપવાનો પ્રયત્ન કરો. જાતિના ભેદભાવ વિના લોકો માટે નિઃસ્વાર્થ કાર્ય કરો.
વાઘોડિયા અને નંદેસરીના ઔદ્યોગિક વિસ્તારોના 25 વર્ષના ઈતિહાસમાં કંપનીના માલિક કે મેનેજર પાસેથી ક્યારેય ચૂંટણીનું દાન માંગ્યું નથી. કોઈ ભ્રષ્ટાચાર પણ મેં ક્યારેય કર્યો નથી તેમ મધુ શ્રીવાસ્તવે કહ્યું હતું. જીવ્યા સુધી કામ કરવાનું વચન આપ્યું છે. હું મારું વચન પાળીશ. હું ગેરકાયદેસર મકાનોને કાયદેસર બનાવવાનો પ્રયાસ કરીશ. તેમ પણ મધુ શ્રીવાસ્તવે કહ્યું હતું.