Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા શહેર અને જિલ્લાના ૨૫૮૯ બી.એલ.ઓ એ ઘરે ઘરે ફરીને મતદાર ઓળખ કાપલીઓનું વિતરણ શરૂ કર્યું.

Share

શહેર અને જિલ્લાના બી.એલ.ઓ.પોતાની સરકારી નોકરીની કામગીરીની સાથે લગભગ બારે મહિના ચૂંટણી પંચ વતી વિવિધ કામગીરી કરે છે.

ભારતનું ચૂંટણી પંચ એક બંધારણીય સંસ્થા, રાષ્ટ્રીય માળખું છે જે સંસદ,વિધાનસભા, રાજ્યસભા જેવી ચૂંટણીઓ તટસ્થ,નિષ્પક્ષ અને પારદર્શક રીતે યોજવાનું ખૂબ મહત્ત્વનું કામ કરે છે. આ માળખાની ટોચ પર સ્વાભાવિક રીતે દેશના મુખ્ય ચૂંટણી કમિશનર છે.પણ એનો પાયાનો કર્મયોગી કોણ છે એ જાણો છો?

Advertisement

ચૂંટણી પંચ અને ચૂંટણી તંત્રને મતદાર સાથે જોડતી કડી…. જો તમારો જવાબ ‘ના’ હોય તો જાણી લો કે આ માળખાનો પાયાનો કર્મયોગી બુથ લેવલ ઓફિસર – બી.એલ.ઓ છે જે ચૂંટણી પંચ કે ચૂંટણી તંત્રને મતદાર સાથે જોડવાનું અગત્યનું કામ કરે છે.બહુધા શિક્ષકો ને મતદાન મથક કક્ષાના આ અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવે છે જે પોતાની સરકારી ફરજોની સાથે વખતોવખત ચૂંટણી તંત્ર દ્વારા મતદાર યાદી અને ચૂંટણી વિષયક સોંપવામાં આવતી વિવિધ ફરજો નિષ્ઠાપૂર્વક બજાવે છે.

જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરીના, બી.એલ.ઓ વિષયક સંકલનની ફરજો બજાવતા નાયબ મામલતદાર અર્જુનસિંહ જણાવે છે કે પ્રત્યેક મતદાન મથક માટે એક બી.એલ.ઓ નીમવામાં આવે છે તે મુજબ હાલમાં વડોદરા શહેર અને જિલ્લામાં ૨૫૮૯ જેટલા બુથ લેવલ ઓફિસર કાર્યરત છે.

હાલમાં બી.એલ.ઓ તરીકે નિયુક્ત આ કર્મયોગી કર્મચારીઓ તેમના મતદાન મથક હેઠળ આવતા મતદારોના ઘેર ઘેર જઈને મતદાર ઓળખ કાપલીઓ એટલે કે voter’s slips ના વિતરણની ખૂબ પરિશ્રમી કામગીરી કરી રહ્યાં છે. એક બી.એલ.ઓ. એ તેના વિસ્તારમાં મતદારોની સંખ્યા પ્રમાણે અંદાજે ૩૦૦ થી ૫૦૦ ઘરોની મુલાકાત લઈને મતદારોને તેમની ઓળખ કાપલી પહોંચાડવાની હોય છે.એક ઘરમાં એક કે તેથી વધુ મતદારો હોય છે. એ પ્રમાણે આ લોકોએ મતદારોના ઘરોની મુલાકાત લેવી પડે છે.

શહેરના વાઘોડિયા રોડ પર આવેલા મહેશ કોમ્પલેક્ષના પાછળની સોસાયટીઓમાં બી.એલ.ઓ. કિન્નરીબેન રવિવારની રજા પરિવારજનો સાથે વિતાવવાને બદલે મતદાર કાપલીઓ નું વિતરણ કરતા જોવા મળ્યા. એમણે કહ્યું કે, તેઓને લગભગ ૧૪૦૦ જેટલા મતદારોની કાપલીઓ મતદાનની તા. ૫ મી પહેલા સમયસર પહોંચાડી દેવાની છે.એટલે આજે રવિવારની રજાનો ભોગ આપી આ કામગીરી શરૂ કરી છે.દરેક ઘરમાં મતદારની સંખ્યા પ્રમાણે ફોટા વાળી મતદાર ઓળખ કાપલીઓ આપી,તેઓ તેમની પાસેની યાદી પર ઘરના સદસ્યની સહી પણ તકેદારી રૂપે લઈ રહ્યાં છે.આ કામ જહેમતભર્યું હોવાથી તેમણે પોતાના જીવનસાથીની તેમાં મદદ લીધી છે.આમ,આ દંપતી રવિવારનો આરામ છોડીને ચૂંટણી પંચ વતી કામ કરી રહ્યાં છે.

આ કાપલી મતદાર માટે મતદાન સરળ બનાવે છે તો મતદાન મથકના કર્મચારીઓનું કામ હળવું કરીને મતદાન પ્રક્રિયાને ઝડપી અને સુવિધાજનક બનાવે છે. ચૂંટણી સમયે મતદારની સૌથી મોટી મૂંઝવણ એ હોય છે કે મારે મતદાન કરવા ક્યાં જવાનું છે?.તેના ઉકેલરૂપે આ કાપલીમાં મતદાન મથકનું સરનામું લખેલું હોય છે. તેમાં વિધાનસભા વિસ્તારનું નામ ( હાલ ધારાસભા ની ચૂંટણીઓ થઈ રહી છે એટલે) મતદારનું નામ,પુરુષ/ સ્ત્રી કે અન્ય,મતદાર યાદીનો ભાગ નં.,મતદાર યાદીમાં એ મતદારનો ક્રમાંક,મતદાર જો ફોટો ઓળખ પત્ર ધરાવતા હોય તો એનો ક્રમાંક,રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરીની વેબ સાઈટનું એડ્રેસ, સી.ઈ.ઓ કોલ સેન્ટરનો/હેલ્પ લાઇનનો ટોલ ફ્રી સંપર્ક નંબર,મતદાનની તારીખ,સમય જેવી ખૂબ ઉપયોગી વિગતો હોય છે. એટલે આ કાપલીથી મતદારોને ક્યાં મતદાન કરવાનું છે તે અને મતદાન મથકના કર્મચારીઓ ને જે તે મતદારની જરૂરી વિગતો સરળતા થી મળી રહેતા મતદાન સરળ અને ઝડપી બને છે.

મતદાર જ્યારે મતદાન કરવા જાય ત્યારે મતદાન મથકે પોતાની ઓળખના પુરાવા તરીકે ચૂંટણી પંચે આપેલું મતદાર ફોટો ઓળખ પત્ર અથવા માન્ય વૈકલ્પિક ઓળખનો પુરાવો રજૂ કરવો જરૂરી છે.આ મતદાર ઓળખ કાપલીમાં મતદારના ફોટા સહિત જરૂરી વિગતો હોય છે પણ એ ઓળખના પુરાવાનો વિકલ્પ બનતી નથી એ યાદ રાખવું જરૂરી છે.એટલે મતદારે મતદાનમાં સરળતા માટે આ કાપલી લઈને જવું જોઈએ અને તેની સાથે પોતાનું ફોટાવાળું મતદાર ઓળખ પત્ર અથવા માન્ય દસ્તાવેજ સાથે અવશ્ય રાખવો જોઈએ.

રાજકીય પક્ષો અને ઉમેદવારો પણ આ પ્રકારની મતદાર ઓળખ કાપલીઓ બનાવીને ઘેર ઘેર પહોંચાડતા હોય છે.જો કે તેમાં ઉમેદવાર અને પક્ષનું નામ,નિશાન ઇત્યાદિ લખેલા હોય છે.એટલે એ લઈને મતદાન મથકે જનારા મતદારે ફક્ત તેમના નામ,ભાગ નં.વાળો ભાગ જ સાથે રાખીને ઉમેદવાર,પક્ષ વાળો ભાગ જુદો પાડી દેવો અને તે લઈને મતદાન મથકે ના જવું.

ચૂંટણીને સફળ બનાવવા બી.એલ.ઓ થી શરૂ કરીને સમગ્ર તંત્ર મહિનાઓ સુધી રાત દિવસ કામ કરે છે.પ્રત્યેક મતદાર અચૂક મતદાન કરીને તેમની આ જહેમત સફળ બનાવી શકે છે.એટલે પ્રત્યેક મતદાર ભૂલ્યા વગર અને સો કામ પડતા મૂકીને તા.૫ મી ડિસેમ્બરના રોજ મતદાન કરે એ ઇચ્છનીય છે.


Share

Related posts

વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાં ફૂટબોલની મેચમાં મારામારી કરનાર 9 આરોપી ઝડપાયા.

ProudOfGujarat

આજે વિશ્વની વસ્તી પહોંચી 8 અબજ સુધી, સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટમાં કરાયો દાવો.

ProudOfGujarat

IPL ની મેચો પર સટ્ટો રમાડનાર યુવાનને ઝડપી પાડતી એસ.ઓ.જી ટિમ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!