વડોદરા શહેર જિલ્લામાં વિધાનસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૨ તા. ૫ ડિસેમ્બરે યોજનાર છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અતુલ ગોરના માર્ગદર્શન હેઠળ લોકશાહીના આ મહાપર્વમાં જિલ્લાનો કોઇ પણ મતદાર પોતાના મતાધિકારથી વંચિત ન રહે તે માટે કામગીરી હાથ ધરવામાં આવી છે.
વડોદરા શહેર જિલ્લામાં ૮૦ + તથા દિવ્યાંગ અને અશક્ત મતદારોએ ઘરે બેઠા મતદાન કરવાની ઈચ્છા દર્શાવી હતી તેવા મતદારોની મતદાન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. રાવપુરા વિધાનસભા મત વિભાગના ચૂંટણી અધિકારી આર .બી.પરમારે જણાવ્યું હતું કે રાવપુરા વિધાનસભામાં આવા ૨૩ મતદારોએ ઘરે બેઠા મતદાન કરવાનો વિકલ્પ આપ્યો હતો. જે પૈકી એક મતદારનું અવસાન થતા કુલ ૨૨ મતદારોએ બેલેટ પેપરથી મતદાન કર્યું હતું.
આર .બી. પરમારે જણાવ્યું કે ભારતના ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ આ મતદાન પ્રક્રિયાની સંપૂર્ણ વિડિયોગ્રાફી સાથે ગેઝેટેડ અધિકારીઓ અને પોલીસની હાજરીમાં આ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જે માટે રાવપુરા વિધાનસભા વિસ્તારમાં બે ટીમોનું ગઠન કરવામાં આવ્યું હતું.
ભારતના ચૂંટણી પંચ દ્રારા કરવામાં આવેલ નવતર પહેલના ભાગરૂપે ચૂંટણીમાં ૮૦ + , દિવ્યાંગ અને અશક્ત મતદારો પૈકી જે મતદારો મતદાન મથક સુધી જવામાં અસમર્થ હોય તેવા મતદારો માટે બી.એલ.ઓ.ના માધ્યમથી ફોર્મ ૧૨-ડી ભરવામાં આવ્યા હતા. આજે આવા મતદારોના ઘરે જઈ ચૂંટણી તંત્ર દ્વારા મતદાન કુટીર ઉભી કરી તેમને લોકશાહીના આ મહાપર્વના ભાગીદાર બનાવવામાં આવ્યા હતા.