અમેરિકાના પ્રવાસમાંથી પરત આવેલા 65 વર્ષીય વૃદ્ધમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાતા તેઓને સયાજી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. અને વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં આવેલા ખાનગી કંપનીમાં કામ કરતી મૂળ ચીનની મહિલા કર્મચારીમાં કોરોના વાઈરસના લક્ષણો જણાતા સયાજી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવી છે. બંનેના તેમના બ્લડ સેમ્પલ લઇને અમદવાદની બી.જે. મેડિકલ કોલેજમાં મોકલી આપવામાં આવ્યા છે. વડોદરા જિલ્લાના કરજણના વૃદ્ધ અમેરિકા ફરવા માટે ગયા હતા. જ્યાંથી તેઓ પરત ફર્યાં બાદ તેમની તબિયત લથડી હતી. જેથી તેઓને સ્ક્રિનિંગ માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. સયાજી હોસ્પિટલના આરએમઓ આર.બી. શાહે જણાવ્યું હતું કે, અમેરિકા આવેલા વૃદ્ધમાં શરદી, ખાસી અને તાવ હોવાથી તેમના બ્લડ સેમ્પલ લઇને લેબમાં મોકલી આપ્યા છે. અમે વૃદ્ધના રિપોર્ટની રાહ જોઇ રહ્યા છે.વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં આવેલા ખાનગી કંપનીમાં કામ કરતી મહિલા કર્મચારીને કોરોના વાઈરસના લક્ષણો જણાતા સયાજી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવી છે. મહિલા કર્મચારી મૂળ ચીનની વતની છે અને કરજણ ખાતે આવેલી ચાઇનીઝ કંપનીમાં ફરજ બજાવે છે. મહિલાનો પતિ તાજેતરમાં દિલ્હી તેમજ આગ્રા ખાતેની કચેરીમાં ઓફિસના કામ અર્થે ગયા હતા. ત્યાંથી પરત આવ્યા બાદ બંને સંપર્કમાં આવતા પત્નીની તબિયત લથડતા તેને વડોદરાની સયાજી હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં તપાસ માટે ખસેડવામાં આવી હતી. જ્યાં તેના સેમ્પલ લઇને લેબમાં તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે. ચાઇનાથી દુનિયામાં ફેલાઇ રહેલા કોરોના વાઈરસને વૈશ્વિક સમસ્યા જાહેર કરી દેવામાં આવી છે. કોરોના સામે લોકજાગૃતિને કારણે અથવા તો ભયને કારણે વિદેશ અથવા તો દેશનાં અન્ય રાજ્યમાંથી શહેરમાં આવતા લોકો તેમનું સ્ક્રિનિંગ કરાવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં દુબઇ, જર્મની, સાઉથ અમેરિકા, કુવેત, તથા પંજાબ. મુંબઇ અને બેંગ્લોરથી વડોદરા શહેરમાં ટૂંકા ગાળામાં આવેલા 14 લોકોનું સયાજી હોસ્પિટલ ખાતે સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું. બીજી તરફ સયાજી હોસ્પિટલમાં એક આઇસોલેશન વોર્ડ તૈયાર કરાયો છે. જેમાં પીડિએટ્રિક, એક ફિઝિશિયન અને એનેસ્થેટિક્સ તબીબો તથા 5 નર્સની ટીમ રાખવામાં આવી છે. હાલ સયાજી હોસ્પિટલમાં બનાવાયેલા આઇસોલેશન વોર્ડમાં શંકાસ્પદ કેસોની તપાસ કરવામાં આવી રહી છે.
અમેરિકાનાં પ્રવાસથી પરત આવેલા 65 વર્ષીય વૃદ્ધમાં અને વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં આવેલા ખાનગી કંપનીમાં કામ કરતી મૂળ ચીનની મહિલામાં કોરોના વાઈરસના લક્ષણો જણાતા સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.
Advertisement