વડોદરા શહેર જિલ્લાની દસ વિધાનસભા બેઠકોની સામાન્ય ચૂંટણી તા.૫ ડિસેમ્બરના રોજ યોજાનાર છે. વિધાનસભા ચૂંટણીમાં મહત્તમ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર અતુલ ગોરના માર્ગદર્શન હેઠળ સ્વીપ અંતર્ગત વિવિધ મતદાર અને મતદાન જાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ કડીના ભાગરૂપે આજે શહેરના બરાનપૂરા વિસ્તારમાં અંદાજે દોઢસો વર્ષથી કાર્યરત અંજુ માસીબાના અખાડા ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.
બરાનપુરા અખાડાના અંજુ માસીબાએ આગામી વિધાનસભા ચૂંટણીમાં તમામ કામો છોડીને તા.૫ ડિસેમ્બરના રોજ પહેલા મતદાન કરવા શહેર જિલ્લાના મતદારોને અપીલ કરી છે. અંજુ માસી કહે છે કે,અમારા અખાડામાં જે લોકો મતદાર તરીકે નોંધાયેલા છે એ તમામ મતદાન કરે એવો મારો આગ્રહ હોય છે. અમારા કેટલાક મતદારો વયોવૃદ્ધ છે, કેટલાક ચાલવામાં મુશ્કેલી અનુભવે છે અને એકાદનું શરીર ખૂબ ભારે છે. આ લોકો મતદાન કરી શકે તે માટે અમે રિક્ષા કે વાહનની વ્યવસ્થા કરીને પણ એમને મતદાન મથકે પહોંચાડવાનો બનતો પ્રયત્ન કરીએ છે. તેમણે ખાસ અનુરોધ કર્યો છે કે મારો, તમારો અને સૌનો મત કિંમતી છે એટલે મતદાન અવશ્ય કરો. એમનું કહેવું છે કે મતદાન દિવસે હું વહેલી સવારે આખા વિસ્તારમાં ફરી વળું છું અને સો કામ પડતાં મૂકી પહેલાં મતદાન કરો એવું સૌને આગ્રહપૂર્વક કહું છું.
સ્વીપ કાર્યક્રમ હેઠળ નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ભૂમિકા પટેલ અને તેમની ટીમ દ્વારા મતદાર અને મતદાન જાગૃતિ માટે શહેરમાં શાળા કોલેજમાં વિવિધ મતદાર જાગૃતિ વર્ધક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.