Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરાની મધ્યસ્થ જેલમાં થતી કેદી પંચાયત અવનવી અને અનોખી ચૂંટણી.

Share

મધ્યસ્થ જેલની તોતિંગ દીવાલો વચ્ચે થતી કેદી પંચાયતની ચૂંટણી ખૂબ વિવિધતા ધરાવે છે. જ્યારે સર્વ સંમતિ ના સધાય ત્યારે ચૂંટણીઓ કરવી પડે. બહુધા લોકો લોકસભા, વિધાનસભા અને મહાનગર પાલિકા, નગર પાલિકા, તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં ખૂબ રસ અને ઉત્સુકતા દાખવે છે. બાકી ચુંટણીઓ તો શાળાથી લઈને સહકારી સંસ્થાઓ, મંડળો જેવી વિવિધ સંસ્થાઓમાં થતી જ રહે છે.

આવી જ એક ચૂંટણી વડોદરા સેન્ટ્રલ જેલમાં કેદી પંચાયતની થાય છે જે અન્ય ચુંટણીઓની સરખામણીમાં ઘણી અવનવી અને અનોખી છે. વડોદરા સેન્ટ્રલ જેલમાં છેલ્લે ૨૦૧૭ કે તે પહેલાં કેદી પંચાયતના સદસ્યો પસંદ કરવા માટે ચૂંટણી થઈ હતી એવી જાણકારી આપતાં કેદી કલ્યાણ અધિકારી મહેશ રાઠોડે જણાવ્યું કે કેદી પંચાયતની રચના તો દર વર્ષે થાય છે પરંતુ છેલ્લા ઘણાં વર્ષોથી સર્વ સંમતિથી કેદી પંચાયતના સદસ્ય સેવકો પસંદ થતાં હોવાથી વડોદરા સેન્ટ્રલ જેલમાં ચૂંટણી યોજવાની જરૂર પડી નથી. જોકે આ કેદી પંચાયતનો ચુનાવ ઘણી રીતે અલગ પડે છે. જેલ બહાર યોજાતી અન્ય ચૂંટણીઓમાં ઉમેદવાર ગમે તેટલા હોય મત પેટી એક જ હોય છે. જ્યારે કેદી પંચાયતના નિર્વાચનમાં જેટલા ઉમેદવાર એટલી મત પેટી. તમારે જે ઉમેદવારને મત આપવાનો હોય એની મત પેટીમાં તમારો મત નાંખવાનો અને પાછી આ મત પેટી માટે માટલા પસંદ કરવામાં આવે છે. દરેક માટલા પર જે ઉમેદવારની મત પેટી હોય એનું નામ લખવામાં આવે છે. એનો આગવો ફાયદો એ છે કે મત ગણતરી વખતે ઉમેદવાર પ્રમાણે મત જુદા પાડવા પડતાં નથી, કોઈ વિવાદ થતો નથી કે મત અમાન્ય ઠરતો નથી અને ગણતરી ઝડપી બને છે છે ને અનોખી વ્યવસ્થા.

બીજી ખાસ વાત એ છે કે જેલમાં કાચા કામના અને પાકા એમ બે પ્રકારના કેદીઓ હોય છે. કાચા કામના એટલે જેમની પર અદાલતી કાર્યવાહી ચાલુ હોય તેવા કેદી. પાકા કેદી એટલે જેમને અદાલતે સજા ફરમાવી દીધી છે અને તેના લીધે જેલવાસ ભોગવી રહ્યાં હોય તેવા કેદીઓ. કેદી પંચાયત ચુનાવમાં મતાધિકાર ફક્ત પાકા કેદીઓને મળે છે. ચુનાવ પણ ફક્ત આ કેદીઓ જ લડી શકે છે. કાચા કામના કેદીને જેલમાં મતાધિકાર કે ચૂંટણી લડવાનો અધિકાર મળતો નથી.

Advertisement

અહીં એ વાત નોંધવી ઘટે કે જેને અદાલતે સજા ફરમાવી દીધી હોય અને સજા રૂપે જેઓ જેલવાસ ભોગવતા હોય તેવા કેદીઓનો નાગરિક તરીકેનો મતાધિકાર, સજાના સમયગાળા માટે મોકૂફ થઈ જાય છે એટલે તેમને સાંસદ, ધારાસભા કે પંચાયત ચુનાવમાં તે સમય પૂરતો મત આપવાનો અધિકાર નથી. તેની સામે જેલમાં તેમને કેદી પંચાયતમાં મત આપવાનો અધિકાર મળે છેછે ને વિધિની વક્રતા…!! અને જેલવાસ દરમિયાન પાકા કેદી ફક્ત એકવાર આ પંચાયતના સેવક બનવા માટે ચૂંટણી લડી શકે છે. પહેલી મુદત પૂરી થયાં પછી એમને બીજી મુદત મળતી નથી. કેદી પંચાયતના ઉમેદવારોને જેલની ચાર દીવારીમાં પોતાનો પ્રચાર કરવાની પણ સુવિધા આપવામાં આવે છે. હાલમાં વડોદરા સેન્ટ્રલ જેલની કેદી પંચાયતના સેવકોની સંખ્યા ૭ છે. જેલમાં કેદી સંખ્યાની વધઘટ પ્રમાણે સભ્યોની સંખ્યા વધે ઘટે છે. કેદી પંચાયતની બેઠક દર બુધવારે મળે છે. પંચાયતના સેવકોનું કામ આ સભામાં કેદીઓના પ્રશ્નો પ્રશાસન સમક્ષ મૂકવા અને એનું સુખદ નિરાકરણ આણવાનું છે. પ્રત્યેક કેદીની જેલ કચેરી સુધી સીધી પહોંચ ન હોય એટલે તેમના વતી પ્રશ્નો રજૂ કરવા અને નિરાકરણ મેળવવાનું કામ કેદી પંચાયતના સદસ્ય સેવકો કરે છે. છે ને રસપ્રદ અને અનોખી ચૂંટણી…!!


Share

Related posts

નબીપુર કેન્દ્રમાં 240 ઉમેદવારો એ શાંતિપૂર્ણ માહોલમાં તલાટીની પરીક્ષા આપી.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં કલાકો દરમિયાન થયેલ મતદાનની ટકાવારી આંકડા મુજબ, જુઓ કેટલી થઈ ?

ProudOfGujarat

રાજકોટમાં સતત પાંચમાં દિવસે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, મેટોડામાં વીજળી પડતા યુવાનનું મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!