Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં ધમધમી રહેલી કલેક્ટર કચેરીની ચૂંટણી શાખા.

Share

થોડા દિવસો પહેલા એવું બન્યું કે વડોદરાની ચૂંટણી શાખાના કેટલાક કર્મયોગીઓ મહત્વના પત્રોમાં મત્તુ મરાવવા બપોરના સમયે કલેક્ટર અતુલ ગોરના નિવાસ સ્થાને પહોંચ્યા. કલેક્ટર એ ઘડિયાળ સામે જોયું તો અઢી ત્રણ વાગ્યા હતા. તેમણે આગંતુક કર્મયોગીઓને પૂછ્યું, તમે જમ્યા ? જવાબ મળ્યોઃ ના ! કલેક્ટર એ સૌ પ્રથમ આવેલા કર્મયોગીઓને નાસ્તો કરાવ્યો અને બાદમાં વહીવટી કામગીરી કરી આપી. ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં દિવસના સોળસોળ કલાક ધમધમી રહેલી કલેક્ટર કચેરીની ચૂંટણી શાખાની વ્યસ્તતાનું એક નાનું ઉદાહરણ છે.

વિધાનસભાની ચૂંટણીને લઇને છેલ્લા છ-એક માસથી સઘન તૈયારીઓ કરી રહેલી જિલ્લા વહીવટી તંત્રની ચૂંટણી શાખા લગભગ પહેલી સપ્ટેમ્બરથી દિવસરાત ધમધમે છે. સવારમાં મોડામાં મોડી નવ વાગ્યામાં તો ચૂંટણી શાખાની વહીવટી કામગીરી શરૂ થઇ જાય છે. એ પહેલા સાફસફાઇ થઇ જાય ! કચેરીમાં આવેલી નવી સૂચનાઓ પરિપત્રિત કરવી. વિવિધ વિષયોના નોડેલ અધિકારી ઉપરાંત વિધાનસભા બેઠકના આર.ઓ. સાથે સંકલન કરવું, નવી વ્યવસ્થાઓ ઉભી કરવાનું આયોજન કરવું. કેન્દ્રીય ચૂંટણી પંચ અને મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરીના પત્રોના જવાબ આપવા સહિતની વિવિધ કામગીરી માટે સતત ધમધમતી રહે છે.

ચૂંટણી શાખામાં હાલમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી હર્ષવર્ધન સોલંકી, મામલતદાર સર્વ બી. પી. સક્સેના, અશોક પરમાર અને પી. આર. ત્રિવેદી ઉપરાંત શાખાની કરોડરજ્જુ સમાન નાયબ મામલતદારો ભરત પટેલ, કેતન નાયક, અર્જુનસિંહ ચૌહાણ, મુસ્તાક મલેક, રાકેશ પરમાર અને હરનેશ ગઢવી, અન્ય છ-છ કારકૂન અને વર્ગ ચારના કર્મયોગીઓ સવારમાં નવ સાડા નવ વાગ્યે ઓફિસ આવી જાય પછી સાંજે ઘરે જવાનું નક્કી નહીં, પણ એક વાત ચોક્કસ ચૂંટણીલક્ષી કામ પૂર્ણ કર્યા વિના ઘરે નહીં જવાનું ! કામ પ્રત્યે આટલો સમર્પણભાવ એ કર્મયોગનું એક લક્ષણ છે.

Advertisement

કેટલાક કર્મચારીઓએ તો બપોરનું ટિફિન લાવવાનું છોડી દીધું છે. કારણ કે સવારમાં વહેલા ઓફિસ આવવાના સમયે પરિવારજનને ટિફિન બનાવવા માટે વહેલા ઉઠવું પડે અને ટિફિન ક્યારે જમાય એ નક્કી નહીં એથી ડાયટ ટિફિન બંધાવી લીધું છે. સમય મળે એટલે જમી લેવાનું ! કેટલાક કર્મયોગીઓ તો નાના-નાના દર્દોની દવા પણ સાથે રાખે છે જેથી રોગને ઉગતા જ ડામી દેવાય !

ચૂંટણી શાખાના એક કર્મયોગીને માત્ર ત્રણ માસનું સંતાન છે, તો તેઓ હજું પોતાના સંતાન સાથે હજુ મનભરીને રમી શક્યા નથી. એક કર્મયોગીની દીકરીને ડેન્ગ્યુ થયો છે, પરિવારનો સપોર્ટ હોવાથી તેઓ પોતાની ફરજ ચૂકતા નથી. આગામી નવેમ્બરના અંતમાં અને ડિસેમ્બરના પ્રારંભમાં લગ્નસરામાં પારિવારિક લગ્નપ્રસંગોમાં જવાનું આ ચૂંટણીકર્મીઓએ અત્યારથી જ કેન્સલ કરી નાખ્યું છે.

કલેક્ટર અતુલ ગોર અને નિવાસી અધિક કલેક્ટર ડો. બી. એસ. પ્રજાપતિ પણ મોડી રાત સુધી ઓફિસમાં કાર્યરત જોવા મળે છે. મજાની વાત તો એ છે કે, ચૂંટણી શાખાની મુલાકાત લો તો કોઇ પણ કર્મયોગીને વ્યગ્રાવસ્થામાં જોવા ના મળે ! કામ કરવાની પણ મજા લેતા હોય એવું લાગ્યા વિના રહે નહીં ! આવી જ કામગીરી વિધાનસભા બેઠકના તમામ આર.ઓ. કચેરીમાં પણ જોવા મળે છે.


Share

Related posts

માંગરોળ તાલુકાના કંસાલી ગામેથી માંગરોળ પોલીસે 1,14,000 નો ઇંગ્લિશ દારૂ ઝડપી પાડયો..

ProudOfGujarat

ઝઘડિયા તાલુકા પંચાયત કચેરી ખાતે ધારાસભ્ય ની ઉપસ્થિતિમા સામાન્ય સભામાં રાશનકાર્ડના કામમાં તથા આધારકાર્ડના કામમાં પૈસા લેવાતા હોવાનો આક્ષેપ.

ProudOfGujarat

બોડેલીના અલીખેરવા પ્રાથમિક શાળાનો શિક્ષક શાળામાં જ રંગરેલિયા મનાવતો ઝડપાયો શંકા કુશંકાઓ વચ્ચે બંને ને પોલીસને સોંપાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!