આજે ભાજપ દ્વારા વિધાનસભા ચૂંટણીના ઉમેદવારોની 160 જેટલા ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. જેમાંથી 2017 માં જેમને ટિકિટ આપવામાં આવી હતી તેવા 85 ની ટિકિટ કાપી નાખવામાં આવી છે. જ્યારે 75 ધારાસભ્યોને રિપિટ કરવામાં આવ્યા છે. વડોદરા જિલ્લાના વાઘોડિયા મત વિસ્તારના ભાજપના નેતા અને માજી ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની આ ટર્મમાં ભાજપ દ્વારા ટિકીટ કપાતા પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો અને પ્રતિક્રિયા આપતા જણાવ્યુ હતું કે પાર્ટી એ મારી ટિકીટ કાપી તેનો મારો વિરોધ નથી પરંતુ કાર્યકર્તાઓને દુ:ખ થયું છે. મારા અધૂરા રહી ગયેલા કામો પૂર્ણ કરવાની મારી ઈચ્છા હતી, જો ટિકીટ મળી હોત તો મારા ઘણા બાકી રહેલા વિકાસ કામો પૂર્ણ કરી શકત સાથે સાથે તેઓએ જણાવ્યુ હતું કે નરેન્દ્ર મોદી અને અમિત શાહ મારા મિત્રો છે હું ભાજપ સાથે જ રહીશ. કાર્યકર્તાઓ કહેશે તો ચૂંટણી લડીશ અને કાર્યકર્તાઓ ના પડશે તો નહીં લડુ તેમ તેઓએ જણાવ્યુ હતું.
ભૂતકાળમાં ઘણા વિવાદિત બયાનો આપ્યા હતા જેને કારણે વિવાદિત બનેલા માજી ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ આ ટર્મમાં કેવું વલણ વર્તન દાખવશે એ તો આવનારો સમય જ બતાવશે.