વડોદરાના સાવલી ખાતેના પોઇચા ગામ ખાતે એવીડ ઓર્ગેનિક કંપનીમાં ભીષણ આગ લાગતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, અચાનક કંપનીમાં આગ ફાટી નીકળતા કર્મચારીઓ સહિત ઉપસ્થિત લોકોમાં ભારે નાસભાગ મચી હતી.
ઘટના અંગેની જાણ ફાયર વિભાગમાં કરવામાં આવતા ૩ થી વધુ ફાયર ફાઈટરોએ સ્થળ ઉપર પહોંચી આગ ઉપર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. અચાનક કંપનીમાં લાગેલ ભીષણ આગના ધુમાડાના ગોટેગોટા નજરે પડતા સ્થાનિક ગ્રામજનોના જીવ ટાળવે ચોંટી ગયા હતા.
એવીડ ઓર્ગેનિક કંપનીમાં લાગેલ આગની ઘટનામાં કંપનીને લાખો રૂપિયાનું નુકશાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ કંપનીમાં આગ ક્યાં કારણોસર લાગી છે તે અંગે સ્પષ્ટતા થઇ નથી. મહત્વની બાબત છે કે ભૂતકાળમાં પણ પ્રદુષણ ફેલાવવા મામલે આ કંપની અનેક વાર વિવાદોમાં આવી ચૂકી છે, તેવામાં વધુ એકવાર આગની ઘટના સામે આવતા કંપની ચર્ચાઓમાં આવી છે.