Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાષ્ટ્રપતિના હસ્તે વડોદરાના બે ક્વોલિફાઇડ નર્સિંગ પ્રોફેશનલને ફ્લોરેન્સ નાઇટિંગેલ એવોર્ડ એનાયત કરાયા.

Share

દેશને આ વર્ષે મહિલા રાષ્ટ્રપતિ મળ્યા છે. આદિવાસી સમુદાયના વિદુષી દ્રૌપદી મૂર્મુ એ દેશનો આ સર્વોચ્ચ પદભાર સંભાળ્યો તે પછી તેમના હસ્તે આરોગ્યના ક્ષેત્રમાં ઉત્કૃષ્ઠ પુરસ્કાર પ્રાપ્ત કરનારા અને વડોદરાને ગૌરવ અપાવનારા વડોદરાવાસીઓ કોણ છે એ તમે જાણો છો ખરા? ના જાણતા હોય તો જાણી લો. વડોદરાના બે કવોલીફાઇડ નર્સિંગ પ્રોફેશનલ એમની કાબિલેદાદ સેવાઓ માટે આજે રાષ્ટ્રપતિ મહોદયાના હસ્તે નર્સિંગના ક્ષેત્રમાં સર્વોચ્ચ ગણાતા ફ્લોરેન્સ નાઇટિંગેલ એવોર્ડથી વિભૂષિત થયા છે અને વડોદરા તથા ગુજરાત અને નર્સિંગ પ્રોફેશનનું ગૌરવ વધાર્યું છે. ખાસ કરીને કોરોના કાળમાં આ લોકોએ નીડરતા સાથે કરેલી સમર્પિત દર્દી સેવાઓને ધ્યાનમાં લઈને તેઓને આ સર્વોચ્ચ સન્માન આપવામાં આવ્યું છે. આ પૈકીના વર્ષાબેન રાજપૂત ગુજરાતના આરોગ્ય તંત્ર સાથે બે દાયકાથી નર્સિંગ સેવાઓમાં જોડાયેલા છે અને હાલમાં જી.એમ.ઈ.આર.એસ.હોસ્પિટલ, ગોત્રીમાં નાયબ નર્સિંગ અધિક્ષક તરીકે સેવાઓ આપી રહ્યાં છે. તેમણે કપરા કોરોના સમયે નર્સિંગના નોડલ અધિકારી તરીકે ખૂબ જવાબદારી પૂર્વક ફરજો અદા કરી હતી. તેમણે એ ગાળામાં સઘન સારવાર એકમ અને કેન્દ્રીય રોગાણુવિહિન સારવાર વિભાગ જેવા એકમોના વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપ્યું હતું.

જ્યારે બ્રધર જોનિસ એલ્વિન મેકવાન મેલ નર્સ તરીકે પશ્ચિમ રેલવે આરોગ્ય તંત્ર સાથે તેર વર્ષથી સંકળાયેલા, ઉત્કૃષ્ઠ અને પ્રગતિશીલ નર્સિંગ પ્રોફેશનલ છે જેમણે કોરોનાની કટોકટીમાં ઉત્તમ અને અસાધારણ આરોગ્ય સેવાઓ પ્રદાન કરી છે. હાલમાં વડોદરા સ્થિત ડિવિઝનલ રેલવે હોસ્પિટલમાં વરિષ્ઠ નર્સિંગ અધિક્ષક તરીકે કાર્યરત જોનીસે કોરોના કાળમાં આઇસોલેશન વોર્ડ અને રેલવે સ્વાસ્થ્ય શિક્ષણના સુચારુ સંકલન માટે નૂતન રોબો કાર્ટ વિકસાવવાની જે અનોખી સૂઝબૂઝ બતાવી હતી.

Advertisement

આ બંને પદક વિજેતાઓ એ તેમનું પ્રોફેશનલ શિક્ષણ દીપાવ્યું છે અને તેની સાથે ગુજરાતની અને પશ્ચિમ રેલવેની આરોગ્ય સેવાઓનું ગૌરવ વધાર્યું છે અને તેની સાથે જોખમી માહોલમાં સમર્પિત દર્દી સેવાઓનું પ્રેરક ઉદાહરણ નર્સિંગ સમુદાય સમક્ષ પ્રસ્તુત કર્યું છે. ભારત સરકારના આરોગ્ય અને કલ્યાણ વિભાગ દ્વારા ઉત્તમ નર્સિંગ સેવાઓને પ્રોત્સાહન આપવા ૧૯૭૩ થી આ એવોર્ડ આપવામાં આવે છે અને વડોદરાના નર્સિંગ સિસ્ટર અને બ્રધરે એકથી વધુ વાર આ એવોર્ડ મેળવ્યો છે એ વાતની નોંધ લેવી ઘટે.

રાજ્યમાં હાલ ૮ જી.એમ. ઈ.આર.એસ.હોસ્પિટલ છે જેમાં આ એવોર્ડ મેળવનારા વર્ષાબેન પ્રથમ છે. નર્સિંગના ક્ષેત્રનો આ સર્વોચ્ચ પુરસ્કાર વડોદરામાં એક સાથે બે નર્સિંગ પ્રોફેશનલને મળ્યો હોય અને બે વડોદરાવાસીઓ એક જ સમારોહમાં માનનીય રાષ્ટ્રપતિના હસ્તે વિભૂષિત થયા હોય એવો પણ કદાચ આ પ્રથમ પ્રસંગ છે.


Share

Related posts

અંકલેશ્વરમાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે કરુણા અભિયાન તથા જીવદયા પ્રેમીઓ દ્વારા અંતર્ગત ઘાયલ પક્ષીઓને સારવાર આપવામાં આવી હતી

ProudOfGujarat

ભરૂચ : સતત વધતાં જતાં તાપમાનનાં કારણે જીલ્લાનાં રહીશો ત્રાહિમામ .

ProudOfGujarat

ભરૂચ જિલ્લા કોંગ્રેસના અગ્રણી જયેશભાઈ પટેલ ના નિધન અંગે રાજ્યસભા સાંસદ અહમદભાઈ પટેલે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!