– વાઘોડિયા વિધાનસભા અસ્તિત્વમાં આવી ત્યારથી ચારવાર ક્રમાંક બદલાયો એમાંથી એક પણ વાર 130 ક્રમાંક નથી
– રાજકીય પક્ષોએ ઉમેદવારો જાહેર નથી કર્યા એના પહેલા જ સ્વઘોષિત ઉમેદવારોને વિધાનસભા ક્રમાંકનું પણ જ્ઞાન નથી
– દિવાળી અને નૂતન વર્ષની શુભકામનાઓ આપતા બેનરમાં વિધાનસભાનો ખોટો ક્રમાંક છાપી દીધો
આગામી એક સપ્તાહ દરમિયાન ગુજરાતની વિધાનસભાની ચૂંટણી જાહેર થશે, ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થાય તે પહેલાં કેટલીક વિધાનસભા બેઠક પર સ્વઘોષિત ઉમેદવારોએ પોતાની દાવેદારી પ્રસ્થાપિત કરવાનું શરૂ કરી દીધું છે. જેમાં વાઘોડિયા વિધાનસભામાં પણ અનેક નેતાઓએ પોતાનો પ્રચાર શરૂ કરી દીધો છે.
જે નેતાઓએ અપક્ષમાં ચૂંટણી લડવાનું નક્કી કરી જ લીધું છે એવા નેતાઓ પ્રચાર કરે તો કાંઈ સમજ આવે કે તેઓ પોતે અપક્ષ લડવાના છે એટલે તેઓને કોઈના મેન્ડેડની જરૂર નથી, પણ જ્યાં પાર્ટી મેન્ડેડ પર ચૂંટણી લડવાની ઈચ્છા ધરાવતા કેટલાક નેતાઓ પોતાને સંભવિત નહીં, સ્વઘોષિત ઉમેદવાર જાહેર કરી ચુક્યા છે. વાઘોડિયા વિધાનસભામાં પૂર્વ સાંસદ અને કોંગ્રેસના નેતા સત્યજિતસિંહ ગાયકવાડ (રાજવી પરિવાર) પણ પોતાની તૈયારીમાં જોતરાઈ ગયા છે.
વાઘોડિયા મત વિસ્તારમાં તેઓ દ્વારા દિવાળી તેમજ નૂતનવર્ષની શુભેચ્છાઓ આપતા બેનરો લગાવવામાં આવ્યા છે. જ્યાં તેઓએ પૂર્વ સાંસદની બાજુમાં વડોદરા 130 વાઘોડિયા વિધાનસભા લખ્યું છે જોકે વાઘોડિયા વિધાનસભા અસ્થિત્વમાં આવી ત્યારથી અત્યાર સુધી ક્યારેય અહીંનો ક્રમાંક 130 રહ્યો નથી. વિધાનસભા વિસ્તારના ભૌગોલિક જ્ઞાનની વાત તો દૂર, આંકડાકીય માહિતી પણ સંભવિત ઉમેદવાર પાસે ખોટી છે.
1962 માં વાઘોડિયા વિધાનસભાનો ક્રમાંક 121 હતો જે બાદ 1967 માં સીમાંકનમાં સુધારા સાથે 133 થયો. 1975 ના નવા સુધારા પ્રમાણે વિધાનસભાનો ક્રમાંક 150 થયો અને 2012 થી 136 ક્રમાંક ચાલે છે. આ માહિતી ઈન્ટરનેટ પર પણ મળી રહે છે. તેમ છતાંય વિધાનસભા ક્રમાંક ખોટો લખાય એ વાત સમજની બહાર છે. ઘર નંબર ખોટો હોય તો ખોટા સરનામે પહોંચી જવાય, અહીં તો વિધાનસભા ક્રમાંક જ ખોટો છે અને ખોટા ક્રમાંકને આધારે સંભવિત ઉમેદવાર પ્રચાર પણ કરી રહ્યા છે.