છેલ્લા કેટલાક સમયથી રાજકારણમાં સામ, દામ, દંડ, નેતાઓની ખરીદી વેચાણ, પાટલી બદલવા સહિતની નીતિ અપનાવવામાં જાણે રાજકીય પક્ષોમાં હોડ જામી હોય તેવું જણાઇ રહ્યું છે. ગુજરાતમાં તેમજ વડોદરામાં પણ છેલ્લા કેટલાક દિવસોથી રાજકીય હૂંસાતૂસીની ઘટનાઓ જોવા મળી રહી છે. ગત શનિવારે નવસારી જિલ્લાના ખેરગામ ખાતે આદિવાસી સમાજમાં લોકપ્રિય નેતા અને ધારાસભ્ય એવા અનંત પટેલ પર ઘાતક અને જીવલેણ હૂમલાની ઘટના બની હતી જેના પડઘા આદિવાસી વિસ્તારોમાં જ નહીં પરંતુ સમગ્ર પ્રદેશમાં જોવા મળી રહ્યાં છે. ત્યારે વડોદરા શહેર/જીલ્લા કોંગ્રેસ દ્વારા આ સમગ્ર ઘટનાને સખત રીતે વખોડી કાઢી આદિવાસી સમાજમાં લોકપ્રિય નેતા અને કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ ઉપર તેમની વધતી લોકપ્રિયતાને સાંખી ન શકનાર નવસારી જીલ્લા પંચાયતના પ્રમુખ ભિખુભાઇ તથા તેઓના મળતિયાઓ દ્વારા કરવામાં આવેલા હૂમલા સંદર્ભે તાત્કાલિક ન્યાયની માંગણી સાથે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની માંગણી સાથે વડોદરા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રવિણસિંહ મકવાણાની આગેવાનીમાં આજરોજ વડોદરા શહેર જીલ્લા કોંગ્રેસ દ્વારા મામલતદારની કચેરી ખાતે આવેદનપત્ર સાથે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. આ પ્રસંગે પૂર્વ સાંસદ સત્યજીતસિંહ ગાયકવાડ સહિત વડોદરા શહેર/જીલ્લા કોંગ્રેસના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
નવસારીના ખેરગામ ખાતે વાંસદાનાં ધારાસભ્ય અનંત પટેલ ઉપર થયેલા હુમલાના વિરોધમાં વડોદરા શહેર/જીલ્લા કોંગ્રેસ દ્વારા કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવાયું.
Advertisement