વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગેઈલ ગેસ લિમિટેડની બનેલી વડોદરા ગેસ લિમિટેડ દ્વારા શહેરમાં પાઇપલાઇન ગેસ અને સીએનજીની સુવિધા અપાઈ રહી છે. પાઇપલાઇન ગેસના ડોમેસ્ટિક કનેક્શનમાં અપાતા ગેસના ભાવમાં હજી દસ દિવસ પહેલાં વધારો કરવામાં આવ્યો હતો, હવે ફરીવાર ભાવ વધારો કરવામાં આવે તેવી શક્યતા છે. હજી તાજેતરમાં જ ડોમેસ્ટિક પાઇપલાઇન ગેસનો ભાવ ટેક્સ સાથે યુનિટ દીઠ ત્રણ રૂપિયા વધારી દેવાયો હતો, અને નવો ભાવ પ્રતિ યુનિટ રૂપિયા 50.60 તારીખ 16 સપ્ટેમ્બરથી લાગુ કરાયો હતો. આ ભાવ વધારાના કારણે લોકો પર વાર્ષિક 15 કરોડનો બોજ નાખવામાં આવ્યો હતો.
હાલ વડોદરામાં 2.06 લાખ ડોમેસ્ટિક ગેસ ગ્રાહકો છે. આમ પણ છેલ્લા એક વર્ષમાં પાઇપલાઇનના ગેસના ભાવમાં યુનિટ દીઠ 23 રૂપિયાનો વધારો થઈ ચૂક્યો છે. છેલ્લા એક વર્ષમાં પાંચ વાર ભાવ વધારી મોંઘવારીમાં પીસાતી પ્રજા પર બેવડો માર ઝીંકવામાં આવ્યો છે. દરમિયાન સરકારે કુદરતી ગેસના ભાવમા 40% નો વધારો કરતાં પાઈપ લાઈન ગેસ સાથે સીએનજી પણ મોંઘો થશે. ઇંધણોના વધતા વૈશ્વિક ભાવોની સાથે આ ભાવ વધારો કરાયો છે. કુદરતી ગેસમાં પ્રતિ મિલિયન બ્રિટિશ થર્મલ યુનિટનો ભાવ 6.1 ડોલર છે તે વધારીને 8.57 ડોલર કરવામાં આવ્યો છે. જેની સીધી અસર પાઇપલાઇન ગેસ અને સીએનજીના ભાવ પર પડશે. વડોદરામાં પાઇપલાઇન ગેસના ભાવમાં પ્રતિ યુનિટ પાંચ રૂપિયા વધી શકે છે, એ જ પ્રમાણે સીએનજી નો ભાવ પણ પ્રતિ કિલો વધશે. હાલ વડોદરા ગેસ લિમિટેડનો ભાવ 82 રૂપિયા પ્રતિ કિલો છે.