કોવિડ લોક ડાઉન પહેલા અકોટા દાંડિયા બજાર રોડ પર યોજાતા ફન સ્ટ્રીટમાં વહેલી સવારે હજારો લોકો ઉમટી પડતાં.
આજે એ ઉત્સાહ ફરી થી જીવંત થયો હતો. બહુધા વહેલી સવારે પસાર થતાં વાહનોના થોડાક ઘોંઘાટ સિવાય અહીં ચારેકોર મૌન વર્તાતું.
જોકે આજે ગુજરાતમાં પહેલીવાર યોજવામાં આવેલા ૩૬ માં રાષ્ટ્રીય રમતોત્સવ : ૩૬ મી નેશનલ ગેમ્સની લોક માનસમાં ઉત્સુકતા જગાવવા અને રાષ્ટ્રીય કક્ષાના આ ખેલ મહાકુંભ સાથે વડોદરાવાસીઓને જોડવા વડોદરા મહાનગર પાલિકા એ યોજેલા ફન સ્ટ્રીટ એટલે કે રમત આનંદ મેળામાં વહેલી સવારે,અગાઉ જેવા ઉત્સાહ સાથે મોટી મેદની ઉમટી હતી અને લોકોએ અનોખી મોજ મસ્તી દ્વારા આ મહાખેલ આયોજનને આવકાર્યું હતું.
જાહેર માર્ગને મેદાન બનાવીને લોકોએ વિવિધ રમતો રમવાની સાથે શારીરિક સ્ફૂર્તિ માટેના ઝૂંબા અને ઍરોબિક્સ જેવા કસરતી નૃત્યો કરીને,યોગ સાધના કરીને આ આયોજન માટેના ઉત્સાહને વ્યક્ત કર્યો હતો.
એશીયાઇ સિંહ એટલે કે ગીરના સાવજને આ મહા રમતોત્સવના પ્રતિક – માસ્કોટ તરીકે પસંદ કરવામાં આવ્યો છે.ફન સ્ટ્રીટમાં સેલ્ફી ઝોનની રાખવામાં આવેલી સમાયાનુરૂપ સુવિધાનો ઉત્સાહભેર ઉપયોગ કરીને લોકોએ સાવજ સાથે તસવીરો ક્લિક કરીને,મોજીલી યાદો ફોટો ગેલેરીમાં ભરી હતી.
૩૬ માં રાષ્ટ્રીય રમતોત્સવની ચેતના જગાવવા વમપા એ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને અન્ય વિભાગો તેમજ રમત મંડળોના સહયોગ થી ત્રણ દિવસના રમત આનંદ આયોજનો કર્યા છે જેના ભાગરૂપે આજનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં દિવ્યાંગ રમત ચાહક બાળકોએ ૫૦ મીટરની દોડ લગાવી પંગુ લંઘ્યતે ગીરિમની ક્ષમતાની અનુભૂતિ કરાવી હતી.
રોજ વાહનોથી ધમધમતો આ રાજમાર્ગ આજે મર્યાદિત સમય માટે વાહન વ્યવહાર રોકીને જાણે કે ખેલનું મેદાન બનાવી દેવામાં આવ્યો હતો.મેયર કેયુર રોકડિયા,ધારાસભ્ય જીતુભાઇ સુખડીયા,મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ,સ્થાયી સમિતિ ના અધ્યક્ષ ડો.હિતેન્દ્ર પટેલ,નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ હિતેશ પટણી સહિત મહાનુભાવોએ આ રમત આનંદ મેળામાં જોડાઈને લોકોનો ઉત્સાહ વધાર્યો હતો.
આનંદ ઘેલા જન સમુદાયે પિંગબોલ,તીરંદાજી, ડાર્ટ ગેમ, ટર્ન બોલ ચેલેન્જ,બાસ્કેટ બોલ, મીની ટેનિસ, સાત ખેલાડીઓની ફૂટબોલ, રસ્સા ખેંચ, ચેસ અને કેરમ, સંગીતમય યોગ, કબડ્ડી, એથલેટિક્સ, વડોદરાના વારસા જેવી મલખંભ,પાવર લીફ્ટિંગ જેવી રમતો રમીને ખેલ ચેતના અભિવ્યક્ત કરી તો શહેર પોલીસ ના ટ્રાફિક વિભાગે વાહન વ્યવહાર અને વાહન ચાલકોમાં શિસ્ત અને કાયદા પાલનની જાગૃતિનો સંદેશ આપ્યો હતો.