વડોદરામાં રખડતા ઢોરે સગર્ભાને અડફેટે લીધી હતી. સલાટવાળાની તુલસીભાઈની ચાલની ઘટના છે. મનીષાબેન નામની મહિલાના બાળકનું ગર્ભમાં જ મોત નીપજ્યું છે. 4 વર્ષના બાળકને બચાવવા જતા ઢોરે સગર્ભાને અડફેટે લીધી હતી. સ્થાનિકોએ સમગ્ર મામલે રોષ ઠાલવ્યો છે.
મળેલી માહિતી પ્રમાણે વડોદરાના સલાટવાડા વિસ્તારમાં હનુમાન પોળ આવેલી છે. પોળમાં રહેતા એક મહિલા મંગળવારે પોતાની ચાર વર્ષના બાળક સાથે ઘરની બહાર કામ માટે નીકળ્યા હતા. દરમિયાન દોડતી આવી રહેલી ગાયથી મહિલા પોતાની ચાર વર્ષના બાળકને બચાવવા જતાં, નજીક આવી પહોંચેલી ગાયે મહિલાને ભેટીએ ચઢાવ્યા હતા. ગાયે મહિલાને ભેટીએ ચઢાવતા તેઓ રોડ ઉપર પટકાયા હતા. ગાયે મહિલાને લાતો પણ મારી હોવાનું જાણવા મળ્યું હતું. જેમાં તેઓના પેટ, પેઢા સહિત શરીરના અન્ય ભાગમાં ગંભીર ઇજા પહોંચી હતી.આ ઘટના બનતા જ સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને મહિલાને હોસ્પિટલમાં લઇ ગયા હતા. હોસ્પિટલના તબીબોએ બનાવની ગંભીરતા અને મહિલાને થયેલી ઇજાઓને ધ્યાનમાં લઇ મહિલાને બચાવી લીધી હતી. એક તબક્કે સ્થાનિક લોકોના ટોળેટોળાં એકઠાં થઇ ગયા હતા. સલાટવાડા વિસ્તારમાં બનેલી આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં કોર્પોરેશનના સત્તાધિશો સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો. જેમાં ખાસ કરીને હનુમાન પોળમાં રહેતા યુવાનો અને યુવતીઓએ કોર્પોરેશનના સત્તાધિશો સામે ભારે આક્રોશ ઠાલવ્યો હતો.