વડોદરા ખાતે એમ.એસ.યુનિવર્સિટી અવારનવાર તેમાં થતા વિવાદોના કારણે ચર્ચામાં આવતી હોય છે, યુનિવર્સિટીમાં સામાન્ય બાબતોને લઇ ઝઘડા થવાની બાબત હવે દિવસેને દિવસે વધતી જતી હોય તેમ લાગી રહ્યું છે. આજ પ્રકારની વધુ એક ઘટના આજે સામે આવી હતી.
જ્યાં AGSG ગ્રુપના આતીફ મલિક અને અન્ય યુવકને ગ્રુપમાંથી રિમૂવ કરતા મામલો ઉગ્ર બન્યો છે, યુનિટ બિલ્ડીંગ ખાતે આતિફ મલિક ટોળા સાથે યુનિટ બિલ્ડીંગ ખાતે ઘસી આવ્યો હતો અને જોતજોતામાં બંને યુવાનો વચ્ચે છુટ્ટા હાથની મારામારી જેવી ઘટના સર્જાઈ હતી, જે બાદ વિજિલન્સના કર્મીઓએ સ્થળ પર પહોંચી મામલો થાળે પાડયા હતો. જોકે ત્યાર બાદ પણ છુટ્ટા હાથની મારમારી વિદ્યાર્થીઓ વચ્ચે જામેલી જોવા મળી હતી.
AGSG ગ્રુપના સભ્યો અને AGSU ના સભ્યો વચ્ચે દંડા વડે આ મારામારીની ઘટના સર્જાઈ હતી, બંને જૂથો વચ્ચે છુટ્ટા હાથની મારામારી થતાં વિદ્યાર્થીઓમાં અફરાતફરી માહોલ સર્જાયો હતો, જોકે બાદમાં બંને વિદ્યાર્થી જૂથોએ સયાજીગંજ પોલીસમાં સામસામે ફરિયાદ નોંધાવી છે, આમ સામાન્ય બાબતોમાં હવે યુનિવર્સિટીનું કેમ્પસ યુદ્ધનું મેદાન બની રહ્યું છે સાથે જ કેટલાક તત્વોના કારણે યુનિવર્સિટીનો પણ માહોલ અન્ય વિદ્યાર્થીઓ માટે જોખમ સમાન બનતો જઇ રહ્યો છે તેવામાં હવે સત્તાધીશોએ આ પ્રકારની ઘટનાઓ અટકાવવા કડક વલણ અપનાવવું જોઈએ તેવી પણ માંગ ઉઠવા પામી રહી છે.