વડોદરા શહેરના નર્મદા ભવનના પહેલા માળે ઇ-ધરા કેન્દ્રમાં આજે બપોરે દસ્તાવેજ બાદ નોટિસ કાઢવા મુદ્દે એક એજન્ટ અને નાયબ મામલતદાર વચ્ચે બોલાચાલી પછી મારામારીના પગલે મામલો ઉગ્ર બન્યો હતો અને નાયબ મામલતદારે એજન્ટ પર ટોચાથી હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી.
આ અંગેની વિગત એવી છે કે જિલ્લા કલેક્ટર કચેરી તેમજ તેને સંલગ્ન કચેરીઓ અને દસ્તાવેજ નોંધણી કચેરીઓ સહિતની રેવન્યૂ કચેરીઓમાં લાઇઝનિંગનું કામ કરતો નિલેશ નામનો એજન્ટ આજે બપોરે પોતાના પરિચિતના કરેલા ખેતીના દસ્તાવેજ તેમજ તેને લગતા કાગળો જમા કરાવવા માટે નર્મદા ભવન ખાતે પ્રથમ માળ પર આવેલી ઇ-ધરા કચેરીમાં ગયા હતાં અને માલિકી હક્કની નોંધણી કરાવવા માટે નાયબ મામલતદારને મળી તમે ૧૩૫ ડીની નોટિસ આજે કાઢો તેવો આગ્રહ કર્યો હતો.
દરમિયાન નાયબ મામલતદારે મારે કામ કેવી રીતે કરવું તે સમજાવવાની જરૂર નથી તેમ કહ્યા બાદ મામલો ગરમ બન્યો હતો અને બંને વચ્ચે બોલાચાલી થઇ હતી. આ વખતે ઇ-ધરા કેન્દ્રમાં હાજર ઓપરેટરો સહિત અનેક અરજદારો ભેગા થઇ ગયા હતાં. ઝઘડો ઉગ્ર બન્યો હતો અને ઉશ્કેરાટમાં આવીને નાયબ મામલતદારે નિલેશ નામના એજન્ટને કાગળોને કાણાં પાડવા માટેનો ટોચો મારી દેતાં તેને ઇજા થઇ હતી.
મારામારી અને હુમલા બાદ ઇજાગ્રસ્ત એજન્ટ નિલેશને તાત્કાલિક સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. જોકે આ ઘટનાની ચર્ચા રેવન્યૂ કચેરીઓમાં ચર્ચાનો મુદ્દો બન્યો હતો. હુમલો કરનાર નાયબ મામલતદારની હજી તા.૨ના રોજ ઇ-ધરા કેન્દ્રમાં બદલી થતા બે દિવસ પહેલાં જ તેઓ નવી જગ્યાએ હાજર થયા હોવાનું જાણવા મળ્યું છે.