હવે વાત ગુજરાતનાં સૌથી જુના ગણેશ મંડળની. રાજ્યભરમાં ગણેશોત્સવ પર્વનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે આ પર્વની ઉજવણીનાં આરંભનાં ઇતિહાસમાં જઇએ તો ગુજરાતમાં સૌ પ્રથમ સાર્વજનિક ગણેશજીની સ્થાપના વડોદરામાં થઇ હતી. વડોદરા અને ગુજરાતનાં આ સૌથી જુના ગણેશ મંડળમાં છેલ્લાં 121 વર્ષથી શ્રીજીની સ્થાપના થાય છે. એટલું જ નહીં કોમી એકતાનાં આદર્શ પ્રતીકસમા આ શ્રીજીની પુજા આરાધના હિંદુ મુસ્લિમ બંને સાથે મળીને કરે છે.
રાજ્યભરમાં ગણેશોત્સવ પર્વની ધૂમ છે. ભગવાન ગણેશની આરાધનાનાં આ પર્વમાં ધાર્મિક આસ્થા સાથે શ્રીજી ભક્તોમાં ઉત્સાહ છવાયેલો છે. તેવામાં સંસ્કારીનગરી વડોદરામાં એક શ્રીજી મંડળ એવું છે જ્યાં એક સદીથી પણ વધારે સમયથી ગણેશોત્સવ પર્વ ઉજવાય છે. વડોદરાનાં દાંડિયાબજાર વિસ્તારમાં આવેલ જુમ્મા દાદા વ્યાયામ શાળામાં ગણપતિ બાપ્પાની સ્થાપના 19 મી સદીની શરૂઆતથી થાય છે. દેશનાં સૌથી જુના અખાડા પૈકીનાં એક એવા વડોદરાનાં જુમ્મા દાદા વ્યાયામ શાળા કે જે માણેકરાવનાં અખાડાનાં નામે પણ પ્રસિદ્ધ છે, ત્યાં છેલ્લાં 121 વર્ષથી ગણેશોત્સવ ઉજવાય છે. અને નવાઇ પમાડે તેવી વાત એ છે કે, અહીં 121 વર્ષ પહેલાં શ્રીજીની સ્થાપનાની શરૂઆત કોઇ હિંદુએ નહી પણ મુસ્લિમ પહેલવાન એવાં જુમ્મા દાદાએ કરી હતી. દેશમાં સૌથી પહેલાં ગણેશોત્સવમાં સાર્વજનિક શ્રીજીની સ્થાપના આઝાદીનાં પ્રમુખ લડવૈયાઓમાનાં એક એવા લોકમાન્ય તિલકે મહારાષ્ટ્રનાં પુણેમાં કરાવી હતી. જોકે, આઝાદીની આ ચળવળમાં વધુમાં વધુ લોકોને જોડી શકાય તે માટે લોકમાન્ય તિલક દ્વારા દેશભરમાં આ પ્રકારે સાર્વજનિક ગણેશની સ્થાપના કરવા અનુરોધ કરવામાં આવ્યો જેનાં ભાગરૂપે તિલકે તે સમયનાં ગાયકવાડી સ્ટેટ એવાં બરોડામાં વ્યાયામ શાળા ચલાવતાં મુસ્લિમ પહેલવાન જુમ્મા દાદાને સાર્વજનિક શ્રીજીની સ્થાપના કરવા આગ્રહ કર્યો અને તિલકનાં આગ્રહને ગ્રાહ્ય રાખી જુમ્મા દાદાએ વડોદરામાં સૌથી પહેલાં વર્ષ 1901 માં પોતાની વ્યાયામ શાળામાં સાર્વજનિક ગણેશની સ્થાપના કરી અને આ રીતે વિભાજન પહેલાંનાં ગુજરાતમાં ગાયકવાડી સ્ટેટ એવાં બરોડામાં સૌથી પહેલાં સાર્વજનિક ગણેશોત્સવની ઉજવણીની શરૂઆત થઇ ત્યારથી લઇ આજદિન સુધી અહીં ગણેશોત્સવ પર્વ આસ્થાપુર્વક ઉજવાય છે. જેમાં દશે દિવસ અહીં હિંદુ મુસ્લિમ બંને એકસાથે મળીને બાપ્પાની પુજા આરાધના કરે છે જે કોમી સૌહાર્દનું સૌથી આદર્શ પ્રતીક બની રહ્યું છે.
આજે જ્યારે ધર્મનાં આધારે દ્વેષભાવ અને કટ્ટરતા ફેલાઇ છે, તેવામાં ગુજરાતનાં સૌથી જુના ગણેશ મંડળ એવાં વડોદરાનાં જુમ્મા દાદા વ્યાયામ શાળાનાં આ શ્રીજી કોમી એકતાની સુવાસ ફેલાવી કટ્ટરવાદ દ્વારા કોમી વૈમનસ્ય ફેલાવનારા લોકોને કોમી એખલાસ ફેલાવવાનો સંદેશ પાઠવી રહ્યાં છે.