મોટા ફોફડિયાના શ્રી છોટુભાઈ એ. પટેલ હોસ્પિટલ અને સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં નિશાબેન વસાવા નામની મહિલાએ ૩૧ અઠવાડિયના અપરિપક્વ સમયે શિશુને જન્મ આપ્યો હતો. આ સાથે ચિંતાની વાત એ હતી કે બાળક પેટ સાથે જોડાયેલ ખોરાકની નાડીની વિકૃતિ સાથે જન્મ્યું હતું. આ સ્થિતિમાં સરકાર નિશાબેનના પરિવારનો સહારો બન્યું અને સારવાર માટે રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK) હેઠળ સમગ્ર સર્જરી મફતમાં કરી આપવામાં આવી રહી છે.
સિમલી ગામની ૨૩ વર્ષની નિશા વસાવાએ પી.પી.પી. મોડલ હેઠળ ચાલતા સી.એચ.સી.માં તેના બીજા બાળકને જન્મ આપ્યો હતો. ગુરુવારે સવારે ૫.૩૯ વાગ્યે ૩૧ અઠવાડિયે જન્મેલ માદા બાળકનું વજન ૧.૪૪૦ કિગ્રા છે. જોકે ડોકટરોએ ટ્રેચીઓ એસોફેજલ ફિસ્ટુલા નામની વિકૃતિ સાથે બાળક જન્મેલ છે તેમ જણાવ્યું. આ રોગમાં સામાન્ય રીતે ખોરાકની પાઈપ પેટ સાથે જોડાયેલી નથી હોતી જેના કારણે શિશુમાં સ્વાસ્થ્ય સંબંધી ગૂંચવણો ઊભી થાય છે.
રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ યોજનાને કારણે આ આદિવાસી પરિવાર હવે વિનામૂલ્યે સર્જરી કરાવી રહ્યું છે. બાળક અત્યારે નિયોનેટલ આઈ.સી.યુ.માં નિરીક્ષણ હેઠળ છે અને ડૉક્ટરના અભિપ્રાય બાદ તેને ટર્સિયરી કેન્દ્ર, એસ.એસ.જી. અને પછી અમદાવાદમાં સર્જરી માટે ખસેડવામાં આવશે. આ યોજના સારવાર, સર્જરી, પરિવહનના બધાજ ખર્ચને આવરી લે છે. સરકાર દ્વારા ચલાવવામાં આવતી રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ જેવી કેટકેટલી યોજનાઓ સમાજના જરૂરિયાતમંદ લોકો માટે આશીર્વાદરૂપ બની છે અને નવજીવન આપવામાં સફળ થઈ રહી છે.
વડોદરા : સિમલી ગામના આદિવાસી પરિવારમાં ખોરાકની નાડીની વિકૃતિ સાથે જન્મેલા શિશુ માટે રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ બન્યું આશીર્વાદરૂપ.
Advertisement