વડોદરામાં ભગવાન શ્રીજીના ઉત્સવની શરૂઆત થતા જ અલગ અલગ થીમ સાથેના ગણેશની સ્થાપના કરવામાં આવી રહી છે ત્યારે વડોદરાના સોની પરિવારે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ નહી કરવાની થીમ સાથે ભગવાનને બિરાજમાન કરાયા છે. શહેરના ચાંપાનેર વિસ્તારમાં રહેતા રાધિકા સોની જે છેલ્લા 15 વર્ષથી શ્રીજીની પ્રતિમા તેમના ઘરે સ્થાપિત કરે છે દર વર્ષે ડેકોરેશનના માધ્યમથી લોકોમાં કંઈક જાગૃતિ આવે તેવો તેમના દ્વારા પ્રયત્ન કરવામાં આવતો હોય છે ગુજરાત સરકાર દ્વારા આ વર્ષે એક પહેલ કરવામાં આવી છે. નો સિંગલ યુઝ પ્લાસ્ટિક ની થીમને લઈને આ વર્ષે તેમના દ્વારા સુંદર ડેકોરેશન બનાવવામાં આવ્યું છે જેમાં પતંગના પેપર, કાર્ડબોર્ડ નો ઉપયોગ કરવામાં આવ્યો છે અને લોકો પ્લાસ્ટિકની થેલી ન વાપરે અને પૃથ્વીને બચાવીએ તેવા ઉદ્દેશ સાથે સુંદર ડેકોરેશન કરવામાં આવ્યું છે.
ભગવાનના પૂજા અર્ચન અને આસ્થા સાથે જોડાયેલા ગણેશ ચતુર્થીના દસ દિવસ દરમિયાનની આ પૂજા સાથે સમાજ ઉપયોગી સંદેશો આપવો એ સોની પરિવારની પ્રાથમિકતા રહી છે ત્યારે આ વર્ષે પણ સરકારના સિંગલ યુઝ પ્લાસ્ટિક નહીં વાપરવાના અભિગમને પ્રોત્સાહન આપતા વિચાર સાથે સોની પરિવારે ભગવાન શ્રીજીની પ્રતિમાને પ્લાસ્ટિક બેગથી તૈયાર કરાયેલી હોડી ઉપર બિરાજમાન કર્યા છે, સાથે જ અહીં આ પ્રકારના પ્લાસ્ટિકનો ઉપયોગ કરી ફેંકી દેતા રખડતા ઢોર પણ તેને આરોગે છે જેથી તેમના સ્વાસ્થ્યને પણ નુકસાન થાય છે સાથે સાથે પ્રદૂષણ ફેલાવું પણ એક મોટી સમસ્યા બને છે. આ પ્રકારના વિશેષ સંદેશાઓ સાથે ભગવાન શ્રીજી ની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે સાથે જ કાપડની થેલી તૈયાર કરાઈ છે જેને વિશેષ રૂપે વિનામૂલ્ય વિતરણ કરાશે આવા હકારાત્મક અભિગમ સાથે ધાર્મિક ઉત્સવ ઉજવવાની વર્ષો જૂની આ પ્રક્રિયાને સોની પરિવારે આ વર્ષે પણ આગળ ધપાવી છે.
વડોદરામાં સોની પરિવારે ગણેશપંડાલમાં “નો સિંગલ યુઝ પ્લાસ્ટિક” ની થીમ પર ડેકોરેશન કર્યું.
Advertisement