વડોદરા શહેરના એમજી રોડ ઉપર આવેલ ચકાભાઇ જ્વેલર્સમાં ઘરેણાની ખરીદી અર્થે પહોંચેલી બુરખાધારી ત્રણ અજાણી મહિલાઓ કર્મચારીની નજર ચૂકવી 1.40 લાખની કિંમતનું સોનાનું બ્રેસલેટ ચોરી ફરાર થઈ જવા પામી છે. ફરિયાદના આધારે સિટી પોલીસે મહિલા ત્રિપુટી વિરુદ્ધ ગુનો નોધી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
ઘટના અંગેની વિગત એવી છે કે, શહેરના કારેલીબાગ વિસ્તારની સંગમ સોસાયટીમાં રહેતા ચંદ્રકાંત મણીલાલ સોની માંડવી રોડ ખાતે ચકાભાઇ જ્વેલર્સ નામની દુકાન ધરાવે છે. ગઈકાલે તેઓએ દુકાનનો હિસાબ ચેક કરતા સ્ટોક ઓછો જણાય આવતા તપાસ કરી હતી. સીસીટીવી કેમેરાની ચકાસણી કરતા 6 ઓગસ્ટના રોજ દુકાનમાં ખરીદી અર્થે આવેલ બુરખાધારી ત્રણ મહિલાઓએ સોનાની એક લાખથી વધુની કિંમતના ઘરેણા બતાવવા જણાવ્યું હતું. ત્યારબાદ મહિલાઓ ખરીદી કર્યા વિના બહાર નીકળી ગઈ હતી. જે પૈકી એક મહિલા સ્ટાફની નજર ચૂકવી રૂપિયા 1.40 લાખની કિંમતનું સોનાનું બ્રેસલેટ ચોરી કરતા કેમેરામાં કેદ થઇ છે. જેમાં મહિલા કર્મચારી અન્ય ઘરેણાં બતાવવા પાછળ ફરતા જ બુરખાના વેશમાં આવેલી મહિલાએ બ્રેસલેટ તેની પાસેના પર્સમાં સંતાડી દીધું હતું.