વડોદરા શહેરમાં એક સંવેદનશીલ વિસ્તારમાંથી ભગવાન ગણેશની મૂર્તિ સાથેનુ સરઘસ પસાર થઈ રહ્યુ હતુ ત્યારે બે સમુદાયના લોકો વચ્ચે અથડામણ થઈ અને એકબીજા પર પથ્થરમારો કર્યો તેમ પોલીસ અધિકારીઓએ મંગળવારે, 30 ઓગસ્ટના રોજ જણાવ્યુ હતુ.
સોમવારે મોડી રાત્રે ફાટી નીકળેલી અથડામણના સંબંધમાં પોલીસે અત્યાર સુધીમાં 13 લોકોની અટકાયત કરી છે. પથ્થરમારામાં કોઈને ઈજા થઈ નથી તેમ વધુમાં જણાવ્યુ હતુ. બનાવની વિગત મુજબ વડોદરાના પાણીગેટ અને માંડવી વિસ્તારમાં સોમવારે મોડી રાતે પાણીગેટ ત્રણ રસ્તા ગણેશજીના આગમન સમયે જ પાણીગેટ દરવાજા પાસે સામાન્ય પત્થરમારો થયો હતો. આ ઉપરાંત લારીઓમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. જેના કારણે આ વિસ્તારોમાં તંગદિલી ફેલાઈ હતી. જેના પગલે લોકોના ટોળા બહાર નીકળી આવ્યા હતા. બનાવની જાણ થતા પોલિસ અધિકારીઓ પોલીસ કાફલા સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને સઘન કાર્યવાહી હાથ ધરી હતી. આ વિસ્તારોમાં કોમી છમકલુ સર્જાયુ હતુ પરંતુ પોલીસે તરત જ સ્થિતિ પર કાબુ મેળવી લીધો હતો.