વડોદરા નજીક સાવલી તાલુકાના મોક્સી ગામે ગત તા. 16 ઓગષ્ટના રોજ ગુજરાત એ.ટી.એસના ડીવાયએસપી કે.કે પટેલ અને તેમની ટીમ દ્વારા નેક્ટર કેમ કંપનીમાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડામાં કુલ રૂ. 1125 કરોડનુ એમ.ડી (મેફેડ્રોન) ડ્રગ્સ પકડાયું હતુ. જેથી કંપનીના ભાગીદાર મહેશ વૈષ્ણવ અને પિયુષ પટેલની ધરપકડ કરવામા આવી હતી. આ સાથે તેમના સાગરીતોની પણ પોલીસે ધરપકડ કરી હતી. જોકે આ હાલ પિયુષ અને મહેશ સહિત તેના સાગરીતો રિમાન્ડ પર છે, ત્યારે પોલીસની પુછતાછ દરમિયાન નેક્ટર કંપનીની રેડના તાર નજીકમાં આવેલા સાકરંદા જીઆઇડીસીના એક ગોડાઉન સાથે જોડાયેલા હોવાનુ જાણવી મળી રહ્યું છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, ગુજરાત એ.ટી.એસની ટીમ આજે વડોદરા નજીક સાંકરદા જીઆઇડીસીમાં પહોંચી હતી. જ્યાં એક ગોડાઉનમાં દરોડો પાડી તપાસ હાથ ધરવામાં આવી રહીં છે. નેક્ટર કેમ કંપનીના ભાગીદાર મહેશ વૈષ્ણવ અને પિયુષ પટેલ હાલ પોલીસ રિમાન્ડ પર છે ત્યારે પિયુષની પુછતાછમાં મોટો ખુલાસો થયો હોવાની સંભાવના છે. જેથી ગુજરાત એ.ટી.એસ દ્વારા પિયુષ પટેલને સાથે રાખી સાંકરદા જીઆઇડીસીમાં આવેલા આ ગોડાઉનમાં દરોડો પાડી એમ.ડી ડ્રગ્સનો વધુ કાચો માલ પકડી પાડ્યો હોવાનુ જાણવી મળી રહ્યું છે.
સૂત્રો દ્વારા એવી પણ માહિતી જાણવા મળી રહીં છે, પાંચ વર્ષથી આ ગોડાઉન કેમિકલનો સંગ્રહ કરવા માટે પિયુષને ભાડે આપવામાં આવ્યું હતુ. જેથી પોલીસની પુછતાછ દરમિયાન આ ગોડાઉનની વિગતો સપાટી પર આવતા ગુજરાત એ.ટી.એસની ટીમ આજે સાંકરદા પહોંચી છે. જોકે આ ગોડાઉનમાંથી સંભવિત ડ્રગ્સનો કેટલો જથ્થો મળ્યો છે અને તેની બજાર કિંમત કેટલી આંકવામાં આવશે તેના ઉપર સૌ કોઇની નજર છે.