ભારત દેશમાં ચોથું લાઇસન્સ પ્રાપ્ત કરનાર નાગરિક મહિલા સ્કાય ડ્રાઇવર અને ગુજરાતમાંથી પ્રથમ મહિલા સ્કાય ડ્રાઇવર વડોદરા શહેરની શ્વેતા પરમાર (Shweta Parmar) છે. જે વડોદરા શહેર માટે ખૂબ જ ગૌરવની વાત કહેવાય. એમ તો શ્વેતા પરમાર વડોદરા સ્થિત એક ડિજિટલ માર્કેટિંગ ફર્મ અને કાફે ચલાવતી સફળ ઉદ્યોગ સાહસિક છે.પરંતુ પોતાના શોખને પ્રેમ કરીને જીવન જીવી રહી છે.
શ્વેતા પરમાર એ જણાવ્યું કે, ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ ઉજવણીના ભાગરૂપે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવા માટે હું ધ્વજ સાથે કૂદી હતી. એક સ્કાય ડ્રાઇવર તરીકે મારા હૃદયમાં દેશભક્તિની લાગણી દર્શાવવાનો આ એકમાત્ર રસ્તો છે. વિદેશમાં આ જમ્પ કરતી વખતે, મેં આપણા લોકો, સંસ્કૃતિ અને સિદ્ધિઓનો ગૌરવપૂર્ણ ઇતિહાસ શેર કર્યો અને તેમને આઝાદી કા અમૃત મહોત્સવ વિશે જણાવ્યું, જે ભારત સરકારની પહેલ છે.
શ્વેતાએ બીજા જમ્પ વિશે જણાવ્યું કે, મારા 200 કૂદકા પૂરા કર્યા પછી, હું ગુજરાત પ્રત્યે મારી કૃતજ્ઞતા દર્શાવવા માંગતી હતી. હું છેલ્લા 12 મહિનાથી આ ધ્વજને એક દિવસ તેની સાથે કૂદી જવાની આશામાં સંભાળી રહી હતી. આ વર્ષે, મને તક મળી અને મેં “ગરવી ગુજરાતી” લખેલા ધ્વજ સાથે કૂદકો માર્યો કારણ કે મને ગુજરાતની પ્રથમ મહિલા સ્કાય ડ્રાઇવર હોવાનો ગર્વ છે.
આ બંને જમ્પ શ્વેતાએ રશિયામાં કર્યા હતા. જેમાં તેણી એ 14,000 ફૂટની ઉંચાઈ એથી કૂદકો માર્યો હતો. શ્વેતા પરમાર એ એની સ્કાય ડ્રાઇવિંગની ટ્રેનીંગ સ્પેનથી શરૂ કરી હતી. ત્યારબાદ દુબઈ, રશિયા, તથા ભારતમાં હરિયાણા ખાતે સ્કાય ડ્રાઈવીંગ કર્યુ છે. જો કોઈને સ્કાય ડ્રાઈવીંગ શીખવું હોય તો ભારત દેશમાં સ્કાય ડ્રાઈવીંગની કોઈ પણ સ્કૂલ નથી. જેથી ખાસ રશિયા અને થાઈલેન્ડમાં શીખી શકાય છે. આ ટ્રેનિંગ શરૂ થાય છે એક બેઝિક કોર્સથી. જેમાં ઇન્સ્ટ્રિકટરની સાથે સાત જમ્પ કરવાના હોય છે. જો ઇન્સ્ટ્રક્ટર મંજૂરી આપે કે હવે તમે સોલો જમ્પ કરી શકો છો અને સર્ટિફિકેટ આપે, ત્યારબાદ જ તમે લાઇસન્સ મેળવવાની પ્રક્રિયા કરી શકો છો. સ્કાય ડ્રાઈવીંગની ઓછામાં ઓછી ફી 2 થી અઢી લાખ રૂપિયા હોય છે. એના સિવાય ટ્રાવેલિંગ, રહેવાનું, ખાવા પીવાનું, આ બધા ખર્ચા તો અલગ જ થાય.
ઑગસ્ટ 2022 માં, શ્વેતા એ રશિયામાં સ્કાય ડ્રાઈવીંગ તાલીમ દરમિયાન એના 200 કૂદકા પૂરા કર્યા તથા વધુમાં શ્વેતા એ જણાવ્યું કે, મને મારું USPAC લાઇસન્સ પણ પ્રાપ્ત થયું છે, જે મને ભવિષ્યમાં કૅમેરા સાથે કૂદવાની મંજૂરી આપશે. મારું આગામી લક્ષ્ય યુવાનોને શિક્ષિત કરવાનું અને તેમને સ્કાય ડ્રાઈવીંગનો શોખ અથવા વ્યવસાય તરીકે અનુસરવા માટે પ્રેરિત કરવાનું રહેશે.
જો તક આપવામાં આવે તો, હું ભવિષ્યમાં સશસ્ત્ર દળો સાથે સ્કાય ડ્રાઈવીંગ ડેમો જમ્પ કરવા ઈચ્છું છું. હું મારા સ્કાયડાઈવિંગ ફેલો દ્વારા આયોજિત સ્કાયડાઈવિંગ કેમ્પમાં યોગદાન આપવા ઈચ્છું છું, જે માત્ર સરકારી સહાયથી જ શક્ય બનશે. કારણ કે મને મારા કદ પ્રમાણેનું પેરાશૂટ મળી નથી રહ્યું. આ બાબતે કોઈ મદદ કરે તો હું આગળ જંપલાવી શકીશ તથા સરકાર મને પરવાનગી આપે તો આગામી વર્ષમાં આઝાદી પર્વની ઉજવણી હું ભારત દેશમાં જ સ્કાય ડ્રાઈવીંગ કરીને ઉજવું એવી મારી ઈચ્છા છે.