વડોદરા શહેરના છેવાડે કપૂરાઈ ચાર રસ્તા પાસેથી પસાર થતાં નેશનલ હાઇવે ઉપર પ્લાયવુડ લઈને જતી ટ્રક પલટી ખાઈ ગઈ હતી. વહેલી સવારે ટ્રક પલટી ખાઈ ગઈ હોવાની જાણ વડોદરા ફાયર બ્રિગેડને કરવામાં આવતા લાશ્કરો બચાવ કામગીરી ઘટના સ્થળે દોડી ગયા હતા. અને કામગીરી શરૂ કરી હતી. તે સાથે હાઇવે ટ્રાફિક પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઇ હતી. અને ટ્રાફિક વધુ ન ખોરવાઇ તે માટે ટ્રાફિક નિયમન કર્યું હતું. બીજી બાજુ તંત્ર દ્વારા પલટી ખાઇ ગયેલી ટ્રકમાં ભરેલી પ્લાયવુડની સીટો ટ્રકમાંથી બહાર કાઢી રોડની સાઇટ ઉપર મુકી દેવામાં આવી હતી.
ટ્રક પલટી ખાવાના કારણે રોડ ઉપર ઢોળાયેલા ઓઇલના કારણે કોઇ અકસ્માત ન સર્જાય તે માટે પણ તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સદભાગ્યે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી. આ બનાવને પગલે સ્થાનિક લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. હાઇવે ટુ હાઇવે નોકરી-ધંધાર્થે જતા લોકો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. લગભગ એક કલાક સુધી હાઇવે ઉપર ટ્રાફિક જામ રહ્યો હોવાનું જાણવા મળ્યું હતું. આ બનાવ અંગે વાડી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરાના કપુરાઈ ચોકડી નેશનલ હાઈવે પર ટ્રક પલટી જતાં વાહનોની કતાર લાગી.
Advertisement