મળતી માહિતી પ્રમાણે વડોદરા જિલ્લાના કરજણ ખાતે આવેલી સેવાસદન ચોકડી પર ચા ની લારી ચલાવતા શૈલેષભાઈ બેચરભાઈ તડવી ઉં. વર્ષ આશરે ૪૦ રહે.કંડારી ગામ અને તેઓના ધર્મપત્ની શનીબેન શૈલેષભાઇ તડવી કરજણ સેવાસદન ચોકડી પાસે ચા ની લારી ચલાવી પોતાનું ગુજરાન ચલાવતા હતા. પોતાનો ચા નો ગલ્લો બંધ ઘરે પરત જતા સમયે ટ્રેલર ચાલકે તેઓને અડફેટે લીધા હતા.જેમાં શૈલેષભાઇ તડવીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને તેઓના પત્નીને ડાબા પગના ભાગે ઇજાઓ પહોંચતા તેઓને સારવાર અર્થે મોકલી આપ્યા હતા.
બનાવની જાણ કરજણ પોલીસને કરવામાં આવતા ઘટના સ્થળે પહોંચી ટ્રેલર ચાલકની ધરપકડ કરી હતી અને શૈલેષભાઇના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે કરજણ સરકારી આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી આપ્યો હતો. ટ્રેલર ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ કરજણ સેવાસદન ચોકડી પર અવારનવાર અકસ્માતોની ઘટના બની રહી છે. તંત્રને વારંવાર વાર રજુઆત કરવા છતાં કોઈપણ યોગ્ય નિર્ણય કરવામાં આવતો નથી. ગત ૨૫ મી જુલાઈના રોજ બે અકસ્માત સર્જાયા હતા જેમાં કરજણ જુના બજાર સજ્જન પાર્ક ખાતે રહેતા એક ૧૬ વર્ષીય યુવકનું મોત નીપજ્યું હતું. એ જ સાંજે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો જેમાં બંન્ને કાર ચાલકોને ઇજાઓ પહોંચી હતી. કરજણ સેવાસદન ચોકડી બંધ કરવા કરજણ નગરજનોની લોકમાંગ ઉઠવા પામી છે.