વડોદરામાં આવેલ મેન્ટલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દીઓ પોતાની સારવારના ભાગરૂપે જ અનેક ઘર ઉપયોગી વસ્તુઓ પણ બનાવી રહ્યા છે. જે બજારભાવ કરતા ઓછા ભાવે વેચાણ કરે છે. સાથ જ લોકો, સોસાયટીઓ, NGO અને ખાનગી કંપની દ્વારા મળતા ઓર્ડર પર વસ્તુઓ તેમજ પોતાની શક્તિ અનુસારનું લેબર વર્ક પણ કરી આપે છે. જેથી તેમની સારવારની સારવાર, આર્થિક ઉપાર્જન અને તેની સાથે સમાજને ઉપયોગી વસ્તુઓ એકદમ વાજબી ભાવે મળી રહે છે.
વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં મુક્તાનંદ સર્કલ પાસે માનસિક આરોગ્યની હોસ્પિટલ આવેલી છે. માનસિક આરોગ્યની હોસ્પિટલ એવો શબ્દ સાંભળતા બધાને પહેલો જ વિચાર આવે કે આ અસ્થિર મગજના લોકોને રહેવાની જગ્યા. પરંતુ જો તમે અહીંના ઓક્યુપેશનલ થેરાપી વિભાગની મુલાકાત લેશો તો તમને પડશે કે અહીં કોઇ માસ્ક બનાવી રહ્યું છે, કોઇ ઓશિકા, ગાદલા અને માસ્ક બનાવી રહ્યું છે. તો કોઇ કી-ચેઇન, મોબાઇલ સ્ટેન્ડ, નાઇટ લેમ્પને પોલીશીંગ કરીને રંગ ચડાવી રહ્યા છે. તો કોઇ ફિનાઇલ, સાવરણા-સાવરણી, હેન્ડવોશ બનાવી રહ્યા છે. આ તમામ વસ્તુઓ માનસિક રીતે અસ્વસ્થ લોકો એક ખાસ ટ્રેનરના માર્ગદર્શન હેઠળ કરતા હોય છે. આ કામ માનસિક અસ્થિર હોવા છતાં દર્દીઓ એટલું ચોક્કસાઇપૂર્વક કરતા હોય છે કે તેમને જોઇને કોઇ કહી ન શકે કે આ લોકો આવી બીમારીથી પીડાતા હશે.
હોસ્પિટલમાં માનસિક અસ્થિર દર્દીઓને પ્રવૃત્ત રાખવા પાછળ ઉદ્દેશ્ય તેમની પાસે કામ કરાવવાનો નહીં પણ તેમના માનસિક આરોગ્યને સુધારવાનો છે. તેથી તેઓ જે કામ કરે છે તેના બદલામાં તેમને પ્રોત્સાહનરૂપે વળતર અપાય છે. જેમાં લગભગ એક દર્દી મહિને 500 રૂપિયાથી લઇને એક હજાર રૂપિયાનું કામ કરે છે. આ રૂપિયા દર્દીઓને તેને મનગમતું કઇં જમવું હોય, કોઇ વસ્તુ લેવી હોય, શૂઝ, કપડા લેવા હોય તે માટે વપરાય છે. મેન્ટલ હોસ્પિટલના સ્ટોરમાં વેચવામાં આવતી વસ્તુઓનો ભાવ બજારભાવ કરતા ઓછો હોય છે.
વડોદરામાં આવેલ મેન્ટલ હોસ્પિટલમાં અસ્વસ્થ દર્દીઓની કળા બહાર લાવવાનો પ્રયાસ.
Advertisement