વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના સેજપુર ગામમાં રહેતી અને ધોરણ-10 માં અભ્યાસ કરતી રેણુકા મહેન્દ્રભાઇ વસાવા બે દિવસથી બીમાર હતી. બીમારી દરમિયાન તેને ઉલટીઓ શરૂ થતાં, પરિવાર તેણે રિક્ષામાં કારવણ ગામ સ્થિત સરકારી દવાખાને લઇ જવા માટે નીકળ્યા હતા. પરંતુ, ડભોઇ તાલુકામાં થયેલા ભારે વરસાદના કારણે ચારેકોર પાણી ભરાઇ ગયા હોવાથી રસ્તાઓ પણ બંધ હતા.
પરિવાર બીમાર રેણુકાને છત્રાલ ગામ થઇને કારવણ જવાનો વિચાર કર્યો હતો. પરંતુ, છત્રાલ ગામના માર્ગો ઉપર પાણી હોવાના કારણે પરિવારને બીમાર દીકરીને મંડાળા ગામ જવાના રસ્તાએથી કારવણ જવા નીકળ્યા હતા. પરંતુ, પરિવાર રેણુકાને કારવણ હોસ્પિટલ સુધી પહોંચાડે તે પહેલાં રસ્તામાં જ તેનું મોત થયું હતું. પરંતુ, પરિવાર કારવણ હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં તબીબોએ રેણુકાની તપાસ કરતાની સાથે જ તબીબોએ રેણુકાને મૃત જાહેર કરતા પરિવાર એમ્બ્યુલન્સમાં દીકરીના મૃતદેહને લઇ ખાનપુરાના રસ્તા ઉપરથી પોતાના ગામ સેજપુરા આવવા નીકળી ગયા હતા. પરંતુ, તાલુકામાં થયેલા ભારે વરસાદને કારણે ખાનપુર ગામના રસ્તા ધોવાઇ ગયા હતા. રસ્તો ધોવાઇ જવાના કારણે રસ્તો તૂટી જતાં એમ્બ્યુલન્સ ચાલકે મૃતદેહને લઇ સેજપુરા ગામ સુધી પહોંચાડવાની હિંમત કરી ન હતી. એમ્બ્યુલન્સ ચાલકે તૂટેલો રોડ ક્રોસ કરીને આગળ જવાનો ઇન્કાર કરી દેતા પરિવાર મૂંઝવણમાં મુકાઇ ગયો હતો. દરમિયાન, રેણુકાના પિતા ન હોવાથી રેણુકાને હોસ્પિટલમાં લઈ ગયેલા અને હોસ્પિટલમાંથી મૃતદેહ લઇને પરત ફરેલા મામાએ સેજપુરા ગામમાં ફોન કરીને બીજા વાહનની વ્યવસ્થા કરી હતી. જોકે, ગામમાંથી આવેલી ઇકો કારના ચાલકે પણ તૂટેલા રસ્તો પાર કરવાની હિંમત કરી ન હતી. જેથી મામા પોતાની ભાણીના મૃતદેહને પોતાના હાથથી ઉંચકી રોડ ઉપરથી પસાર થઇ રહેલા ઘૂઘવાટા મારતા પાણી પાર કરીને બીજી મંગાવેલી કાર સુધી પહોંચ્યા હતા અને બીજી આવેલી કારમાં મૃતદેહને લઇ સેજપુરા ગામ પહોંચી રેણુકાની અંતિમ વિધીની કાર્યવાહી હાથ ધરી હતી.
વડોદરા : ડભોઇના સેજપુર ગામમાં પાણી ભરાતા સમયસર હોસ્પિટલ ન પહોંચતા કિશોરીનું મોત.
Advertisement