વડોદરાઃ ડમ્પરની અડફેટે યુવાનનું મોત, ટોળાએ 10 વાહનોને આગ ચાંપી..
વડોદરાઃ વડોદરા નજીક આવેલા ફાજલપુર ગામ પાસે ડમ્પરની અટફેટે યુવાનનું મોત નિપજ્યુ હતુ. જેથી રોષે ભરાયેલા 10 વાહનોને આગ ચાંપી દીધી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી. પરંતુ જ્યાં સુધી ડમ્પર ચાલક નહીં પકડાય ત્યાં સુધી લાશ નહીં ઉઠાવવાની ચિમકી સ્થાનિક લોકોએ ઉચ્ચારી હતી.પ્રાપ્ત માહિતી પ્રમાણે વડોદરા શહેર નજીક આવેલા ફાજલપુર પાસે મોટેપાયે ગેરકાયદેસર રેતી ખનન ચાલે છે. આ સમયે રેલી ભરીને જઇ રહેલી એક ડમ્પરે નોકરી પર જઇ રહેલા બાઇકચાલક ભરતભાઇ ગોહિલને ટક્કર મારતા ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજ્યુ હતુ. આ ઘટના બાદ ડમ્પરચાલક ત્યાંથી ભાગી છૂટ્યો હતો. ઘટનાની જાણ થતાં જ લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. અને રોષે ભરાયેલા લોકોએ ડમ્પર, ટ્રક અને જેસીબી સહિતના 10થી વધુ વાહનોને આગ ચાંપી દીધી હતી. અને જ્યાં સુધી ડમ્પર ચાલક નહીં પકડાય ત્યાં સુધી લાશ નહીં ઉઠાવવાની ચિમકી સ્થાનિક લોકોએ ઉચ્ચારી હતી.
વડોદરા શહેર પોલીસ કમિશ્નર મનોજ શશીધર ઘટના સ્થળે પહોંચ્યા છે અને ગ્રામજનોને સમજાવવાનો પ્રયાસ કરવામાં રહ્યા છે. જો કે ગ્રામજનો ટસનામસ થવા તૈયાર નથી. તેઓ તેમની માંગણી પર અડગ છે.
મહિસાગર નદીમાં વજેસિંહ નામનો વ્યક્તિ રેતી ખનનનું કામ ચલાવતો હોવાનું જાણવા મળ્યુ છે. અને વડોદરા જિલ્લા ભાજપના એક અગ્રણીના આશિર્વાદથી રેતી ખનનનું કામ ચાલી રહ્યુ હોવાની વિગતો પણ બહાર આવી છે.