ઉત્તરાખંડના ચમોલીમાં નમામિ ગંગે પ્રોજેક્ટ દરમિયાન ટ્રાન્સફોર્મર ફાટવાથી વીજકરંટ લાગવાની ઘટના બની હતી. જેમાં 15 લોકોના મોત સાથે 7 થી વધુ લોકો દાઝી ગયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. માહિતી અનુસાર નમામિ ગંગેના સીવર ટ્રીટમેન્ટ પ્લાન્ટની નજીક કરંટ ફેલાઈ ગયો હતો.
આ મામલે ચમોલીના એસપીએ 15 જેટલાં લોકોના મૃત્યુ થયાની પુષ્ટી પણ કરી હતી. એવી માહિતી મળી હતી કે ટ્રાન્સફોર્મર ફાટવાને લીધે કરંટ ફેલાયો હતો. આ મામલે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ પણ મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપ્યા હતા. ઉત્તરાખંડમાં હાલમાં અનેક સ્થળે ભારે વરસાદ પણ વરસી રહ્યો છે.
20 થી વધુ લોકો આ કરંટની લપેટમાં આવતા અફરા તફરી મચી ગઈ હતી. લોકોએ ઘટનાસ્થળે પહોંચીને બચાવ કર્મીઓ સાથે મળીને તેમને હોસ્પિટલ ખસેડ્યા હતા. માહિતી અનુસાર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં કામ કરનારા યુવકનું રાતે મોત નીપજ્યું હતું. સવારે પોલીસ કાર્યવાહી માટે પહોંચી હતી. આ દરમિયાન મૃતકના સ્વજનો સહિત અન્ય લોકોની ભીડ એકઠી થઈ હતી. તે સમયે જ કરંટ ફેલાતા હાજર લોકો તેની લપેટમાં આવી ગયા હતા. મૃતકોમાં એક પોલીસકર્મી સબ ઈન્સપેક્ટર અને 3 હોમગાર્ડના જવાનો પણ સામેલ છે.