ઉત્તરાખંડના જોશીમઠમાં ભૂસ્ખલનને જોતા કેન્દ્ર અને રાજ્ય સરકારો સતર્ક થઈ ગઈ છે અને બેઠકો યોજી યોગ્ય કાર્યવાહી કરવા વિચારણા ચાલી રહી છે. ત્યારે જોશીમઠ ભૂસ્ખલન કેસમાં અરજદારે સુપ્રીમ કોર્ટના તાત્કાલિક હસ્તક્ષેપની માગ કરી છે. અરજદારે અપીલ કરી છે કે, આ મામલે તાત્કાલિક સુનાવણીની જરૂર છે અને આ સંકટને રાષ્ટ્રીય આફત તરીકે જાહેર કરવામાં આવે. સુપ્રીમ કોર્ટે અરજીકર્તાને વધુ સુનાવણી માટે મંગળવારે (10 જાન્યુઆરી)ના રોજ આ મામલાની યાદી આપવાનો નિર્દેશ આપ્યો છે.
હકીકતમાં, જોશીમઠ કેસમાં સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી વતી અરજી દાખલ કરવામાં આવી હતી. સોમવારે, અરજદારના વકીલે આ મામલે તાકીદે સુનાવણીની માંગ કરી હતી, જેના પર ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડ અને જસ્ટિસ પીએસ નરસિમ્હાની બેન્ચે જણાવ્યું હતું કે, યોગ્ય પ્રક્રિયાને અનુસરીને મંગળવારે ફરીથી અરજી કરો. મીડિયા રિપોર્ટ મુજબ, આન અરજીમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે જોશીમઠમાં ભૂસ્ખલન મોટાપાયે ઔદ્યોગિકીકરણના કારણે થયું હતું અને ઉત્તરાખંડના લોકોને તાત્કાલિક નાણાકીય સહાય અને વળતરની માંગ કરવામાં આવી હતી.