ઉત્તરપ્રદેશના ચંદૌલીમાં એક હોસ્પિટલની બહાર ઓક્સિજન સિલિન્ડરમાં વિસ્ફોટ થયો, જેમાં બે લોકોએ જીવ ગુમાવી દીધા. અકસ્માત એટલો જબરદસ્ત હતો કે માર્યા ગયેલા બંને વ્યક્તિઓના ચીથરા ઉડી ગયા.
રિપોર્ટ અનુસાર આ અકસ્માત વાહનમાંથી ઓક્સિજન સિલિન્ડર ઉતારતી વખતે થયો હતો. વિસ્ફોટમાં ત્યાંથી પસાર થઈ રહેલા ટ્રેક્ટર ચાલક અને સિલિન્ડર ઉતારી રહેલા વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
એટલું જ નહીં વિસ્ફોટના કારણે હોસ્પિટલની આસપાસના ઘરોના કાચ પણ તુટી ગયા હતા. આ ઘટના મુગલસરાય કોતવાલી વિસ્તારના રવિનગરમાં આવેલી દયાલ હોસ્પિટલમાં બની હતી. આ હોસ્પિટલમાં દીનદયાળ નગરના હિન્નૌલી વિસ્તારમાં સ્થિત પૂજા એન્જિનિયરિંગ વર્ક્સના ચંદ્રભાન અને રાજન નામના બે કર્મચારીઓ ઓક્સિજન સિલિન્ડર પહોંચાડવા માટે હોસ્પિટલમાં આવ્યા હતા તે જ સમયે આ અકસ્માત થયો હતો. મૃતક ચંદ્રભાન છેલ્લા 10 વર્ષથી આ કંપનીમાં કામ કરતા હતા, જ્યારે રાજને તાજેતરમાં જ કામ શરૂ કર્યું હતું. અકસ્માતની માહિતી મળતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તપાસ શરૂ કરી હતી. આ પછી ફોરેન્સિક ટીમે ઘટનાસ્થળેથી પુરાવા પણ એકત્રિત કર્યા.
ઘટનાસ્થળે પહોંચેલા ચંદૌલીના એસપી અંકુર અગ્રવાલે જણાવ્યું કે ખાના મુગલસરાયમાં એક હોસ્પિટલ છે. ત્યાં મેડિકલ સિલિન્ડર બ્લાસ્ટ થયાની માહિતી મળી હતી. તેમણે કહ્યું કે શરૂઆતમાં એવું લાગે છે કે સિલિન્ડર હેન્ડલિંગ કરતી વખતે ફાટ્યું છે, કાં તો તેમાં વધુ દબાણ આવ્યું હશે અથવા તે પડી જવાથી ફાટ્યું હશે. તેની ફોરેન્સિક તપાસ કરવામાં આવી રહી છે. નજીકના સીસીટીવી ફૂટેજ પણ સ્કેન કરવામાં આવી રહ્યા છે.