ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરી જિલ્લામાં ટ્રાફિક પોલીસના ચલણથી ગુસ્સે થયેલા એક વ્યક્તિએ પોતાની બાઇકને આગ ચાંપી દીધી હતી. તેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. હકીકતમાં, સદર પોલીસ સ્ટેશન વિસ્તારની રાજાપુર પોલીસ ચોકી પાસે તૈનાત ટ્રાફિક પોલીસ કર્મચારીઓ વાહનોના ચલાન કાપી રહ્યા હતા, તે દરમિયાન હીરો હોન્ડા બાઇક પર ત્રણ યુવકો આવતા દેખાયા.
આના પર ટ્રાફિક પોલીસના જવાનોએ તે બાઇકને રોકવાનો પ્રયાસ કર્યો તો બાઇક સવાર ભૂપેન્દ્ર થોડીવાર માટે ટ્રાફિક કર્મચારીઓ સાથે બાખડી પડ્યો અને થોડીવાર બાદ બાઇક સવાર પરત ફર્યો, ત્યારબાદ તેણે રાજાપુરના ચાર રસ્તા પર વચ્ચોવચ તેની હીરો હોન્ડા બાઇકને આગ ચાંપી દીધી હતી, જેનાથી આ સ્થળ પર દોડધામ મચી ગઈ હતી અને સ્ટેટ હાઈવે પર બંને બાજુ લાંબો જામ થઈ ગયો.
રોડ પર વચ્ચોવચ બાઇક સળગતી જોઈને સ્થળ પર તૈનાત ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ અને સિવિલ પોલીસના જવાનોએ ઘટનાસ્થળે આવીને રોડ પર સળગતી બાઇક પર પાણી નાખીને કોઈ રીતે આગને કાબુમાં લીધી હતી. સ્થળ પર હાજર ટ્રાફિક પોલીસ કર્મચારીઓએ બાઇકને આગ લગાડનાર ભૂપેન્દ્ર વર્માને પકડી લીધો અને તેને પોલીસ સ્ટેશન લઈ ગયા.
આ મામલામાં ભૂપેન્દ્ર વર્માએ કહ્યું હતું કે મારી બાઈકનું ચલાન કાપવામાં આવ્યું હતું અને મારી વાત સાંભળવામાં આવી ન હતી, ત્યારબાદ મેં મારી બાઇકને આગ ચાંપી દીધી હતી. બીજી તરફ પોલીસનું કહેવું છે કે અમે એક વ્યક્તિનું 2 હજાર રૂપિયાનું ચલાન કાપ્યું, જેના કારણે તેણે ગુસ્સામાં તેની બાઇકને આગ લગાવી દીધી, અમે કોઈક રીતે આગ પર કાબૂ મેળવ્યો અને વ્યક્તિને કસ્ટડીમાં લઈ લીધો છે.