યુપીના બહરાઈચમાં એક હૃદયદ્રાવક ઘટના બની છે. અહીં એક દીપડો 6 વર્ષની બાળકીને તેના પિતાના ખોળામાંથી ઉઠાવી ગયો હતો. 12 કલાક પછી માસૂમનું માથું ઘરથી 300મીટર દૂર જ મળી આવ્યું હતું. તેનું ધડ શોધી શકાયું નથી.
આ ઘટના મોતીપુર રેન્જના જંગલથી લગભગ 10 કિમી દૂર મિહીંપુરવા તહસીલના ચંદનપુર ગામની છે. રવિવારે રાત્રે લગભગ 9 વાગે માજરા કલંદરપુરમાં રહેતા દેવતાદિન યાદવ પુત્રી રાધિકા (અંશિકા)ની સાથે ઘરની બહાર વરંડામાં બેઠા હતા. બરાબર ત્યારે જ લાઈટ જતી રહી હતી.લાઈટ જતી રહેતાં અંધારું થયું ત્યારે દેવતાદિને દીકરીને પોતાના ખોળામાં લઈ લીધી હતી. આ દરમિયાન એક દીપડો ચઢી આવ્યો હતો અને રાધિકાને પિતાના ખોળામાંથી ઝૂંટવીને ઉઠાવી ગયો હતો. દેવતાદિનને અચાનક કંઈ સમજાયું જ નહીં. તેઓ બૂમો પાડતાં પાડતાં બહારની તરફ દોડ્યો, પણ અંધારામાં દીપડાને જોઈ શકાયો નહીં.કતર્નિયાઘાટ વાઇલ્ડલાઇફ ડિવિઝનના ખાલે બઢિયા ગામમાં પણ એક દિવસ પહેલાં એક દીપડો 7 વર્ષના બાળકને ઉઠાવી ગયો હતો. ઘટનાના કેટલાક કલાકો બાદ તેના મૃત્યુની પુષ્ટિ થઈ હતી. આ કિસ્સામાં પણ વિભાગની બેદરકારી સામે આવી હતી.
દેવતાદિનનો અવાજ સાંભળીને આસપાસના લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. દીપડા વિશે જાણ થતાં જ બધાએ બાળકીની શોધવા માટે નીકળી પડ્યા હતા. જ્યારે રાધિકાનો પતો ન લાગતાં વન વિભાગને જાણ કરવામાં આવી હતી. વન વિભાગની ટીમ સાથે પોલીસ પણ ગામમાં પહોંચી હતી. આખી રાત બાળકીની શોધખોળ કરવામાં આવી હતી, પરંતુ તે મળી શકી ન હતી. માનવભક્ષી દીપડાના હુમલાથી ગ્રામજનો ભયભીત થઈ ગયા છે.સોમવારે 12 કલાક પછી બાળકીનું માથું ઘરથી લગભગ 300 મીટર દૂર ખેતરમાં મળી આવ્યું હતું. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને પોલીસે ધડને આજુબાજુ શોધવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ એનો પતો લાગ્યો ન હતો. ડીએફઓ આકાશદીપે કહ્યું હતું કે બાળકીના પરિવારના સભ્યોને વળતર આપવામાં આવશે, જ્યારે ગ્રામજનોનો આરોપ છે કે જંગલમાંથી વસતિવાળા વિસ્તારમાં દીપડા ચઢી આવે છે, પરંતુ વન વિભાગની ટીમ એને રોકવા માટે કોઈ પ્રયાસ કરતી નથી.