મથુરા જિલ્લાના ફરહ વિસ્તારમાં આજે ટ્રેક્ટર-ટ્રોલી અને કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો છે. આ ઘટનામાં 4 શ્રદ્ધાળુઓના મોત નિપજ્યા છે, જ્યારે અન્ય 16 ઈજાગ્રસ્ત થયા છે. મથુરા જિલ્લાના ફરાહ વિસ્તારમાં ગોવર્ધન પરિક્રમાથી પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓને લઈ જતી ટ્રેક્ટર-ટ્રોલી સાથે કાર અથડાતા આ ગંભીર અકસ્માતની ઘટના બની છે. ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લામાં સોમવારે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. જ્યાં ટ્રેક્ટરની ટ્રોલી બેકાબૂ થઈને રોડ પર પલટી ગઈ હતી. આ ઘટનાની માહિતી મળતા સીઓ રિફાઈનરી અને એસપી સિટી પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
મધ્યપ્રદેશના 2 ડઝનથી વધુ શ્રદ્ધાળુઓ ગોવર્ધન પરિક્રમામાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે આ ગમખ્વાર અકસ્માત આજે સવારે સર્જાયો હતો. આ દરમિયાન શહજાદપુર ગામ પાસે પાછળથી આવતી એક સ્વિફ્ટ કારે શ્રદ્ધાળુઓથી ભરેલી ટ્રેક્ટર ટ્રોલીને ટક્કર મારી હતી, જેના કારણે ટ્રેક્ટર ટ્રોલી બેકાબૂ થઈને હાઈવેની બાજુના ખાડામાં પલટી ગઈ હતી. કારમાં બેઠેલા લોકો ચીસો પાડવા લાગ્યા હતા, જે સાંભળી આસપાસના લોકો તુરંત મદદ માટે સ્થળ પર પહોંચી ગયા હતા.
આ માર્ગ અકસ્માત અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. આ દરમિયાન શહજાદપુર ગામના ગ્રામજનો અને રાહદારીઓ એકઠા થઈ ગયા હતા અને ઈજાગ્રસ્તોને ટ્રેક્ટર ટ્રોલીમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને હાઈવે પેટ્રોલિંગ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફરાહ હોસ્પિટલ, આગ્રા, મથુરાની હોસ્પિટલોમાં ઈજાગ્રસ્તોને લઈ જવામાં આવ્યા છે.
આ અકસ્માતમાં 4 લોકોના મોત થયા હતા, જ્યારે શ્રદ્ધાળુઓ સહિત 16થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ગંભીર રીતે ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે આગ્રાની હોસ્પિટલમાં લઈ જવાયા છે. આ ઘટના અંગે મૃતકના પરિજનોને જાણ કરી મૃતદેહને પંચનામા માટે હોસ્પિટલ લઈ જવાયા છે.