ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદમાં ગત મોડી રાત્રે કેટલાંક અસામાજિક તત્વોએ એક કાપડના વેપારીના ઘરમાં ઘૂસીને અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. હુમલામાં વેપારી અને તેના બે પુત્રોનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં, જ્યારે વેપારીની પત્નીની હાલત ગંભીર છે. અસામાજિક તત્વોની હજી સુધી ઓળખ થઈ શકી નથી.
પોલીસ CCTV ફૂટેજની શોધખોળ કરી રહી છે. ઘટના લોની પોલીસ સ્ટેશન વિસ્તારના ટોલી શેરીની છે. પોલીસના જણાવ્યા પ્રમાણે, હુમલો રિયાજ ઉર્ફે રિયાઝુદ્દીનના ઘર પર કરવામાં આવ્યો હતો. હજી સુધી પોલીસ તપાસમાં હુમલા પાછળનું કોઈ કારણ સ્પષ્ટ થયું નથી. આસપાસના લોકોમાં પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે.
ઘટના સમયે લોકેશન પર જે લોકોના મોબાઈલ ફોન ચાલી રહ્યા હતા, તેમની પણ તપાસ કરવામાં આવી રહી છે. જલદી જ આ મામલે ખુલાસો કરવામાં આવશે. ગાઝિયાબાદના લોની પોલીસ સ્ટેશન વિસ્તારના બલરામ નગર વિસ્તારમાં 13 જૂનના રોજ વૃદ્ધ દંપતીની હત્યા કરવામાં આવી હતી.
ઘરમાં જ દંપતીના મૃતદેહ મળી આવ્યા હતા. તેમના પુત્રએ ઘરે લૂંટ થયાની વાત જણાવી હતી, પરંતુ બાદમાં ખુલાસો થયો કે તેણે જ પોતાનાં માતા-પિતાની હત્યા કરી હતી. પોલીસે દંપતીના પુત્ર રવિની ધરપકડ કરી હતી.